મહારાષ્ટ્રમાં બસ ડિવાઇડર સાથે અથડાતા આગ ફાટી નીકળી : 26 બળીને ખાખ, 8 લોકોએ બારી તોડીને જીવ બચાવ્યો

મહારાષ્ટ્ર(Maharastr):દેશમાં ટ્રાફિક અને  અકસ્માતના  બનાવ અવારનવાર થાય છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે બસ અકસ્માત સર્જાયો હતો. યવતમાલથી પુણે જઈ રહેલી બસ પોલ સાથે અથડાઈ અને ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ. એને કારણે એમાં આગ લાગી ગઈ.

બુલઢાણાના એસપી સુનીલ કડાસેને જણાવ્યું ક ટાયર ફાટી ગયા પછી આ અકસ્માત થયો હતો. બાદમાં બસની ડીઝલ ટાંકીમાં આગ લાગી હતી, જેના કારણે આગ ફેલાઈ ગઈ હતી. બસમાં 33 લોકો સવાર હતા, જેમાં 26 લોકો દાઝી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતમાં 3 બાળકોનાં પણ મોત થયા છે.

સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે બસ પલટી જવાને કારણે ડીઝલની ટાંકી ફાટી હતી. જેના કારણે રોડ પર ડીઝલ ફેલાઈ ગયું હતું. જેના કારણે આગ લાગી હતી. આગે થોડી જ વારમાં આખી બસને ઝપેટમાં લઈ લીધી હતી.બસ ડાબી તરફ પલટી હતી, જેના કારણે બસનો દરવાજો નીચેની તરફ આવી ગયો હતો. આવી સ્થિતિમાં લોકો પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. પોલીસે બસમાંથી 25 મૃતદેહોને બહાર કાઢ્યા છે. ગંભીર રીતે દાઝી ગયેલા મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુલઢાણા બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.5-5 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.