રાજકોટ (Rajkot): આજે એક વધુ આપઘાત નો કિસ્સો સામે આવ્યો હતો , પરંતુ બગથરિયા પરિવારનો એકનો એક યુવાન દીકરો હેમખેમ મળી આવતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
રાજકોટમાં આજી ડેમ નજીક ઊભા રહી શુભમ બગથરિયા (ઉં.વ.21) નામના યુવાને મોબાઈલમાં બે વીડિયો બનાવ્યા હતા, જેમાં તે બોલે છે કે ‘તીનપત્તી માસ્ટરમાં રૂપિયા હારી ગયો છું, મારી પાસે એટલાં પાપ છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી’ જેથી આપઘાત કરું છું. આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ દોડી જઈ આજી ડેમ ખાતે યુવકની શોધખોળ હાથ ધરી હતી.
જોકે આજે આ યુવાન અચાનક સિવિલ હોસ્પિટલ આવી સારવાર માટે દાખલ થઈ ગયો હતો.ઉલ્લેખનીય છે કે શુભમે ઓનલાઈન તીનપત્તી જુગારમાં રકમ હારી ગયો હોવાથી પગલું ભરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ આમ કરવા પાછળનું સાચું કારણ શું છે એ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ યુવાન હેમખેમ મળી આવ્યાની જાણ થતાં આજી ડેમ પોલીસ સ્ટેશન ટીમ હોસ્પિટલ પહોંચી યુવાનનું નિવેદન નોંધી આગળ કાર્યવાહી હાથ ધરશે.
શુભમે ગુરુવારે સાંજે વીડિયો બનાવી તેના પપ્પાને મોકલ્યો હતો, પરંતુ પપ્પાનું નેટ બંધ હતું. સાંજે 7 વાગ્યે નેટ શરૂ કરતાં વીડિયો જોતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં રાતભર પરિવાર તેમને શોધવા નીકળી ગયો હતો અને ગઈકાલે સવારે લોકેશન મળતાં વહેલી સવારે 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી શુભમની શોધખોળ હાથ ધરી હતી. જોકે આજે સવારે શુભમ બગથરિયા જાતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવી સારવાર અર્થે પહોંચ્યો હતો.
વીડિયોમાં કહ્યું હતું કે ‘બહુ મહેનત કરી મેં આ સ્ટેપ ઉઠાવવા માટે હું મજબૂર છું, કારણ કે મારાથી એટલાં બધાં પાપ થઈ ગયાં છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી. આજી નદી છે…હું કૂદું છું, મારી જાન દઉં છું, કોઈનો કાંઈ વાંક નથી, મારા શેઠ બધા સારા હતા.અને બની શકે તો મને માફ કરી દેજો અને મારા વગર જિંદગી જીવવાની ટ્રાય કરજો.