રાજકોટમાં ચાર વર્ષની દીકરીનો ડેંગ્યુએ ભોગ લીધો.. શ્રમિક પિતાએ પુત્રીના બન્ને ચક્ષુનું દાન કરી બીજાના જીવનમાં રોશની પાથરી..

રાજકોટ (Rajkot ):ગુજરાતના વિવિધ મહાનગરોમાં રોગચાળાએ કહેર મચાવ્યો છે. ચોમાસાની ઋતુ બાદ સામાન્ય રીતે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં ઉછાળો જોવા મળતો જ હોય છે. જો કે આ વખતે રોગચાળો જીવલેણ બનતો જોવા મળી રહ્યો છે.

ત્યારે રાજકોટમાં ડેંગ્યુના કારણે માત્ર બે દિવસની સારવાર બાદ મૃત્યુ પામનારી 4 વર્ષની એકની એક માસુમ પુત્રીની આંખોનું પરિવારે દાન કરતા રાજકોટમાં સૌથી નાની બાળકીના ચક્ષુદાનનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. મળતી જાણકારી મુજબ ,રાજકોટના ભાવનગર રોડ પર રાજમોતી ઓઈલ મિલ પાસે મયુરનગર શેરી નં.3માં રહેતા મનીષભાઇ ખીમજીભાઇ બદરખિયાની પૌત્રી રિયા ચેતનભાઇ બદરખીયા (ઉં.વ.4)ને ગત સોમવારે અચાનક તાવ આવતા તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં ડેંગ્યુ પોઝિટિવ આવતા મજૂરી કામ કરતા પરિવારે તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી.સારવાર દરમિયાન બાળકીનું મોત થયુ છે.પરિવારજન ચિરાગભાઈએ જણાવ્યું હતું કે, રિયાને તાવ આવ્યો હતો અને સામાન્ય ડોક્ટર પાસે દવા લીધી હતી. બાદમાં તબિયત  સુધરી ગઈ હતી. પરંતુ ગત મંગળવારે તબિયત ફરી બગડતા એ જ ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટ બા ડોક્ટરે સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું. પરંતુ વધુ તબિયત બગડતા આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં આંચકી ઉપડતા વધુ તબિયત બગડી હતી. બાદમાં તેનું નિધન થયું હતું.

અચાનક આવેલા આઘાતમાં પરિવારે માસુમ રિયાની આંખોથી અન્ય એક વ્યક્તિના જીવનમાં રોશની ફેલાવવા વિચાર કરી જનકલ્યાણ ટ્રસ્ટના ઉમેશભાઇ મહેતાનો સંપર્ક કરતા ટ્રસ્ટના ઉમેશભાઇ મહેતાએ માત્ર એક કલાકમાં તમામ વ્યવસ્થા ગોઠવી રિયાની આંખોનું દાન કરાવ્યું હતું.