ડાકોર મંદિરમાં હવે થશે VIP દર્શન, હવે 500 રૂપિયા ચૂકવો અને રણછોડરાયજીના નજીકથી કરો દર્શન .

ડાકોર (Dakor ):મધ્ય ગુજરાતમાં આવેલ અતિપ્રસિદ્ધ ડાકોર મંદિરમાં હવે ભક્તો વીઆઈપી દર્શન કરી કરશે. ભગવાન રણછોડરાયજીના મંદિરમાં નજીકથી દર્શન માટે 500 રૂપિયા વસૂલવાનો ડાકોર મંદિર કમિટીએ નિર્ણય લીધો હતો.

ગુરુવારથી જ VIP દર્શનના નિર્ણયનો અમલ કરાયો છે. જેમાં મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ વસુલાશે. આ ઉપરાંત અન્ય પ્રકારના દર્શનના પણ ચાર્જ વસૂલવામાં આવશે. નજીકથી દર્શનમાં જે પણ આવક થશે  તે ભક્તોની સુવિધા માટે ઉપયોગમાં લેવાશે.

જેમાં પુરુષ દર્શનાર્થીઓ માટે 500 જ્યારે મહિલા દર્શનાર્થીઓ માટે 250 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. 12 વર્ષથી નાની ઉંમરના બાળકો હશે તો તેમની અલગથી ટિકિટ લેવાની જરૂર પડશે નહીં. આ માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે.

રણછોડરાયજીના નજીકથી દર્શન કરાવવાનો આ નિર્ણય કેટલાક ભક્તો સ્વીકારી રહ્યા છે તો કેટલાક ભક્તો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જોકે, VIP દર્શનના કલ્ચરથી ગરીબ ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. VIP દર્શનનો ચાર્જ ગરીબ અને મધ્યમવર્ગના ભક્તોને પોષાય તેમ નથી. દર મહિને પૂનમ ભરવા આવતા દર્શનાર્થીઓને હાલાકી પડી શકે છે.