અમદાવાદ (Amdavad): બુધવાર મોડી રાત્રે અમદાવાદના એસજી હાઈવે પરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે ઓવરસ્પીડમાં કાર હંકારી નિર્દોષોને ઉડાવ્યા હતા, જેમાં નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા , ત્યારે ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોક સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.
જેમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ઇસ્કોન બ્રિજની ઘટના દુઃખદ છે. તમામ પ્રકારના રિકન્સ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. FSL અને RTOના મહત્વના રિપોર્ટ્સ આવી ગયા છે. આ ઘટનામાં માત્ર સાત દિવસની અંદર ચાર્જશીટ તૈયાર કરી દેવામાં આવશે.
આ ઘટનામાં કડકથી કડક કાર્યવાહી કરાશે, એટલું જ નહીં, રાજ્યના ઘણા પરિવારે પોતાના દિકરા ગુમાવ્યા છે. આ બાબતે આરોપીઓને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. રાજ્ય સરકાર આ ઘટનાને લઈ ખૂબ જ ગંભીર છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે આ કેસ અમારા માટે નોર્મલ કેસ નથી, આ કેસ અમારા માટે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ મોસ્ટ સિરિયસ કેસ છે..