લખનઉ (Lakhnau ): તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ખાનગી કોચમાં આગ ફાટી નીકળી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે કોચ પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસ સાથે જોડાયેલો હતો. આ કોચ 17 ઓગસ્ટે લખનઉથી દક્ષિણ ભારતનાં તીર્થધામો માટે ભારત ગૌરવ એક્સપ્રેસ સાથે જોડાઈને રવાના થયો હતો.
શનિવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં યુપીના 10 શ્રદ્ધાળુનાં મોત થયાં હતાં, જ્યારે 50 લોકો દાઝી ગયા છે. ઘાયલ લોકોને મદુરાઈની સરકારી રાજાજી કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. યુપીના 63 શ્રદ્ધાળુ ખાનગી કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. શનિવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં યુપીના 10 શ્રદ્ધાળુનાં મોત થયાં હતાં, જ્યારે 50 લોકો દાઝી ગયા છે. યુપીના 63 શ્રદ્ધાળુ ખાનગી કોચમાં મુસાફરી કરી રહ્યા હતા.
મદુરાઈના કલેક્ટર એમએસ સંગીતાએ જણાવ્યું હતું કે કોચમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ યુપીના હતા. આ કોચ બે દિવસ મદુરાઈમાં રહેવાનો હતો. આજે સવારે મુસાફરો કોફી બનાવવા માટે સ્ટવ ચાલુ કર્યો ત્યારે ગેસ-સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.કોચમાં આગ લાગવાનું મુખ્ય કારણ ગેસ-સિલિન્ડર હતું, જે ગેરકાયદે રીતે લઈ જવામાં આવી રહ્યાં હતાં.
રેલવે અનુસાર, કોઈપણ વ્યક્તિ IRCTCથી કોચ બુક કરાવી શકે છે, પરંતુ સિલિન્ડર લઈ જવા પર પ્રતિબંધ છે. આમ છતાં મુસાફરો સિલિન્ડર લઈને સવાર થયા.અકસ્માત બાબતના બે વીડિયો સામે આવ્યા છે, જેમાં એક મહિલા અને કેટલાક મુસાફરો બચાવો-બચાવોની બૂમો પાડી રહ્યાં છે. થોડીવાર પછી તેમનો અવાજ બંધ થઈ જાય છે. રેલવેકર્મચારીઓ અગ્નિશામક સાધનો અને પાણીનો મારો કરી રહ્યા છે, પરંતુ આગ એટલી ભયાનક હતી કે એને કોઈ અસર થતી નહોતી.