ભાવનગર(bhavnagar):ભાવનગર તેમજ સુરત શહેરમાં વધારે લોકો હીરાના વ્યવસાયમાં જોડાયેલા છે,હીરા ઉદ્યોગમાં અવાર નવાર છેતરપીંડીના તેમજ ઉઠામણું કરવાના બનાવ સામે આવતા હોય છે, હાલ ભાવનગર માં એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે, હિરા બજારમાં સાચાં હીરાનું પેકેટ લઇને તેના બદલામાં હિરાનું ભુસું/કણી ભરેલું પેકેટ વેપારીઓને આપી અડધો ડઝન વેપારીઓ સાથે રૂા. 25 લાખની છેતરપિંડી કરનાર શખ્સ વિરુદ્ધ હીરા બજારમાં ઠેર ઠેર પોસ્ટર લાગ્યા છે.
આ બનાવમાં 15 દિવસ પહેલા પોલીસે વેપારીઓની અરજી લઇ છેતરપિંડી કરનાર શખ્સને પુછપરછ માટે બોલાવી નાસી જવાની તક આપતા હીરા બજારમાં ખુબ જ રોષ વ્યાપેલ છે.
શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ હિરાબજારમાં સુનીલ ગોહિલ નામના શખ્સે છેલ્લા બે થી ત્રણ માસમાં પાંચ થી છ હિરાના વેપારીઓ પાસેથી હિરાના પેકેટના બદલામાં હિરાનું ભુસું પધરાવી દેવાનો મામલો બહાર આવ્યો છે.
હિરાબજારમાં આવેલ પાંચ થી છ હિરાના વેપારીઓએ સુનીલ ગોહિલ સાચા હિરાના પેકેટ વેચાણ અર્થે આપ્યા હતા જેમાં શખ્સે વેપારીની સામે જ નજર ચુક કરીને સાચા હિરાનું પેકેટ તેના ખીસ્સામાં નાંખી દેતો હતો અને બદલામાં હિરાના ભુંસાનું પેકેટ પરત વેપારીને આપી હિરાનું પેકેટ પછી લઇ જઇશ તેમ કહી ત્યાંથી નિકળી જતો હતો.
આ શખ્સે પાંચ થી છ વેપારીઓ સાથે 20 થી 25 લાખ રૂપિયાના સાચા હિરાના પેકેટ લઇ છેતરપિંડી કરતા હિરા બજારના પાંચ થી છ વેપારીઓએ નિલમબાગ પોલીસમાં રજૂઆત કરી હતી.
25 લાખની છેતરપિંડી કરી જનારો આરોપી સુનીલ ગોહિલને નાસી છુટવાની પોલીસે તક આપતા તે સુરત ખાતે જતો રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે,હિરાબજારમાં હિરાના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર સુનીલ ગોહિલ સાથે કોઇએ હિરાની લે વેચ ન કરવી તેવા પોસ્ટર પણ લગાવી દિધા છે.