ભાવનગરમાં વિધવાને પ્રેમસંબંધમાં ફસાવી લગ્નનું આશ્વાસન આપી શખ્સે તરછોડી, આઘાતમાં સરી ગયેલી મહિલાનું ટ્રેન સાથે અથડાતા મોત

ભાવનગર(bhavanagar): ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતી બે સંતાનોની વિધવા મહિલા ભાવના પ્રતાપભાઈ રાઠોડ તેનું તથા એક દીકરી-દીકરાનુ ગુજરાન ચલાવવા હીરાની ઓફિસમાં મજૂરી કામે જતી હતી. જેમાં હીરાની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરતા સંજય દેવરાજ કુવાડીયા રે.મફતનગર વાળાએ વિધવા મહિલાની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી પ્રથમ તેની સાથે મૈત્રી કરી તેના ઘરે અવાર-નવાર મળવા આવતો હતો.

મહિલાને લગ્ન કરી સાથે રહેવાનું વચન આપ્યું હતું, પરંતુ સમય જતાં મેનેજરનું મન વિધવા મહિલાથી ભરાઈ જતાં તેણે સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધો હતો.મહિલાને આઘાત લાગ્યો હતો અને મેનેજરે વાતચીત બંધ કરી દેતાં થોડા દિવસ પહેલા મહિલા મેનેજર ને મળવા ઓફીસે ગઈ હતી એ વખતે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

આ આઘાતને પગલે ડિપ્રેશનનો ભોગ બનેલી મહિલા ટ્રેન સાથે ટકરાતા ગંભીર હાલતે સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં આઠ દિવસની સઘન સારવાર ના અંતે પણ મહિલાને બચાવવામાં તબીબો નિષ્ફળ રહ્યાં હતાં.  મહિલાએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધો હતો.

આ અંગે મૃતકના દિયર યોગેન્દ્ર પરષોત્તમ રાઠોડે આરોપી સંજય દેવરાજ કુવાડીયા વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં તેની ભાભી સાથે દગો કરી છેતરપીંડી આચરી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.