ગાંધીનગરમાં ઘરેથી સોડા પીવા નીકળેલા યુવકનો ભેટો પ્રેમિકાના પતિ સાથે થતા પ્રેમીને ત્યાજ પતાવી દીધો.

ગાંધીનગર:આજ કાલ રાજ્યમાં પ્રેમ પ્રકરણ ને લીધે ખુબ જ બનાવ બની રહ્યા છે.પ્રેમપ્રકરણ ને લીધે ખુબ જ ખૂની ખેલ ખેલાઈ રહ્યા છે.ગાંધીનગર માં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.જ્યાં પત્નીના પ્રેમીની પતિએ જાહેરમાં હત્યા કરી દીધી છે.

કલોલ દરબારની ચાલીમાં રહેતા રમજાની ઉર્ફે પપ્પુ અનવરભાઈ અજમેરી (ઉ. 30 ) અને જિગર બાબુભાઈ ભાટી (ઉ. 25) પાડોશીઓ હતા. પપ્પુની પત્નીને જિગર સાથે આંખો મળી ગઈ હતી. જેની જાણ પપ્પુને થઈ ગઈ હતી. જેથી તે છેલ્લાં ત્રણ ચાર વર્ષથી બંનેને અવૈધ સંબંધોનો અંત લાવવા મથામણ કરી રહ્યો હતો, પરંતુ જિગર અને પપ્પુની પત્ની પ્રેમમાં એટલા ગળાડૂબ થઈ ગયાં હતાં કે સંબંધોનો કોઈ કાળે અંત લાવવા તૈયાર ન હતાં.

ધીમે ધીમે બંનેના પ્રેમ પ્રકરણની વાત જગજાહેર થઈ ગઈ હતી. તેમ છતાં બંને પ્રેમીઓ એકબીજાને મળતાં રહેતાં હતાં. આ વાતથી પપ્પુ ખુબ જ થાકી ગયો હતો.પપ્પુ અને જિગર વચ્ચે  બોલાચાલી પણ થયા કરતી હતી. જેના પગલે જિગરના પિતા ભાડાનું મકાન ખાલી કરીને પરિવાર સાથે બીજે રહેવા જતા રહ્યા હતા. તેમ છતાં બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું રહ્યું હતું.

રાતે જિગર તેની માતા પાસેથી 20 રૂપિયા લઈને સોડા પીવા માટે નીકળ્યો હતો. એ વખતે પપ્પુએ ફોન કરીને તેને સિંદબાદ હોટલ સામે બોલાવ્યો હતો. જ્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. એ વખતે પપ્પુની પત્ની પણ હાજર હતી. આ દરમિયાન પપ્પુએ તીક્ષ્ણ ડિસમિસ જેવા હથિયારથી જિગરની છાતીમાં ઘા ઝીંકી દીધા હતા અને પળવારમાં જ જિગર તરફડિયાં મારીને મોતને ભેટ્યો હતો.

કલોલ શહેર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને પપ્પુને રાઉન્ડઅપ કરી લીધો હતો. આ અંગે જિગરના મોતના સમાચાર સાંભળીને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.જિગરની માતાએ કહ્યું હતું કે, જિગર ઘરેથી 20 રૂપિયા લઈને નીકળ્યો હતો અને 10 મિનિટમાં જ એની હત્યાના સમાચાર આવ્યા હતા.

હાલમાં હત્યાનો ગુનો નોંધી રમજાની ઉર્ફે પપ્પુની ધરપકડ કરી લેવાઈ છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.