ગાંધીનગરમાં હૈયું હચમચાવી દેતી વૃદ્ધાની વેદના,તનતોડ મહેનત કરી ભેગી કરેલી સંપત્તિ ચાર કપાતર પુત્રે પચાવી પાડી માને રઝળતી મૂકી દીધી.

ગાંધીનગર(Gandhinagar):આજકાલ સંતાનો માવતરને ગઢપણમાં સહારો  બનવાને બદલે અનાથાશ્રમ માં મૂકી દેવાના કિસ્સામ સામે આવતા હોય છે,ગાંધીનગરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે,જે સાંભળીને તમે ચોકી જશો.સુખી પરિવારના ચાર કપાતર પુત્રોએ બે મકાનો અને જમીન પચાવી પાડી પંદર વર્ષથી વિધવા જીવન વિતાવતી 85 વર્ષીય વૃદ્ધ માતાને રસ્તે રઝળતી કરી દેવામાં આવી છે.

વૃદ્ધાની કફોડી હાલત જોઈ રાહદારીનું પણ હૃદય ધ્રવી ઊઠયું હતું. જેના કારણે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચવાની વાત સામે આવતા જ વૃદ્ધાએ ચારેય સંતાનોને માફ કરી દઈ રાજીખુશીથી વૃદ્ધાશ્રમનો આશરો પસંદ કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

મૂળ ભાવનગરનાં 85 વર્ષીય વૃદ્ધાના પુખ્ત અવસ્થાના દિવસોમાં ગાંધીનગરમાં લગ્ન થયાં હતાં. લગ્ન પછી તેઓ પતિ સાથે રહેવા ગાંધીનગર આવી ગયાં હતાં. આ લગ્નજીવનથી વૃદ્ધાને ચાર દીકરા અને એક દીકરી એમ પાંચ સંતાનો છે. પાંચેય સંતાનોનાં ઉછેરમાં કોઈ કમી ન રહી જાય એ માટે દંપતીએ રાત-દિવસ તનતોડ મહેનત કરી બે મકાનો – જમીન સહિતની સંપત્તિ પણ વસાવી હતી.

માતા-પિતાએ સંપત્તિ એકઠી કરી હોવાથી પુત્રો, પુત્રવધૂઓને ભવિષ્યની કઈ જ ચિંતા રહી ન હતી. એવામાં 15 વર્ષ અગાઉ ઘરના મોભી એટલે કે વૃદ્ધાનાં પતિનું વૃદ્ધાવસ્થાનાં કારણે અવસાન થાય છે.પતિના અવસાન પછી અચાનક જ પુત્રવધૂઓનાં વર્તનમાં આસમાન-જમીનનો ફરક આવી ગયો હતો.

એકેય વૃદ્ધાની કાળજી રાખવા તૈયાર હતી  નહીં અને પોતાનાં પતિ- સંતાનોની સરભરા અને જલસાવાળી જિંદગી જીવતી હતી. જ્યારે દીકરાઓને પણ અશક્ત માતા બોજ લાગવા લાગી હતી. એમાંય સંપત્તિ માટે પુત્રો-પુત્રવધૂઓ વૃદ્ધાને માનસિક ત્રાસ આપવા લાગ્યાં હતાં, એટલે સુધી કે જમવાનું આપવાનું પણ બંધ કરી દીધું હતું.

ત્રાસ વધતો જતાં પરણીત દીકરીનું કાળજું કંપી ઊઠ્યું હતું અને તે વૃદ્ધ માતાને પોતાની સાસરીમાં રહેવા માટે લઈ ગઈ હતી. જોકે, થોડા સમય પછી દીકરીના સાસરીવાળા પણ વૃદ્ધાને રાખવાનો ઈન્કાર કરી દીધો હતો.  નાછૂટકે દીકરી વૃદ્ધ માતાને પરત ગાંધીનગર મૂકી ગઇ હતી.

સતત એક મહિના સુધી વૃદ્ધ નિઃસહાય હાલતમાં કલોલ વિસ્તારમાં દર દરની ઠોકરો ખાતાં હતાં.એક રાહદારીની નજર વૃદ્ધા પર પડી અને વૃદ્ધાની દયનીય સ્થિતિ જોઈને 181 અભયમ મહિલા હેલ્પ લાઈનને જાણ કરી હતી.ટીમ વૃદ્ધા પાસે પહોંચી જઈ જરૂરી પૂછતાછ કરી હતી, પરંતુ વૃદ્ધાવસ્થાના કારણે તેમને ઘરનું સરનામું પણ યાદ નહોતું. પણ ચારેય દીકરાનાં નામ યાદ હતાં.ફેસબુકના માધ્યમથી ફોટો બતાવતા જ વૃદ્ધાએ તેના દીકરાને ઓળખી લીધો હતો. બાદમાં અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમે વૃદ્ધાના દીકરાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો.

રસ્તે રઝળતી માતાની સ્થિતિથી વાકેફ કરવામાં આવ્યો હતો. તેમ છતાં કપાતર દીકરાએ માતાને લઈ જવાની ઘસીને ના પાડી દીધી હતી. ઉપરાંત અન્ય ભાઈઓના સંપર્ક નંબરો આપવાનો પણ ઈન્કાર કરી દઈ ફોન કાપી નાખ્યો હતો. અભયમની ટીમે વૃદ્ધાને દીકરાઓએ હાથ અધ્ધર કરી દીધા હોવાની વાત કરતાં જ તેણીની આંખમાં અશ્રુની ધારાઓ વહેવા લાગી હતી.

ટીમે ચારેય સંતાનો સામે પોલીસ કાર્યવાહી કરવા માટે વૃદ્ધાને સમજ આપી હતી,પોલીસ કેસ કરીને પણ પુત્રો-પુત્રવધૂઓ શાંતિથી મરવા પણ નહીં દે. મને બીજે ક્યાંય પણ આશરો અપાવો પણ ઘરે પાછા જવું નથી. આ સાંભળી અભયમની ટીમનું પણ હૃદય પણ દ્રવી ઊઠયું હતું.