રાજકોટ (Rajkot ):રાજકોટ શહેરમાંથી માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે .જેમાં હતો 11 વર્ષનો એકનો એક દીકરો નિંદરમાં ખડમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી ગયો હતો અને જેનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું .
મળતી જાણકારી મુજબ ,,રાજકોટ નજીક આવેલા કાથરોટા ગામની સીમમાં રહેતા જયેશ ગોરધનભાઇ મકવાણાના 11 વર્ષના પુત્ર રોનકે ગત તારીખ 20 ઓગસ્ટના રાત્રે નિંદરમાં વાડીએ પડેલી ખડમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિવારજનોને કંઇક અલગ પ્રવાહી પુત્રથી પીવાઇ ગયાની જાણ કરતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બાદમાં વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પુત્રની ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
જયારે મૃતક બાળકના પિતાએ જણાવ્યું હતું કે, રોનક એક અઠવાડિયાથી બીમાર હતો અને ગત તારીખ 20ના રાત્રે તેને ઉધરસ આવ્યા બાદ ઉલ્ટી થતા નિંદરમાં તે દવા પીવા માટે ગયો હતો, ત્યારે ભુલથી ઝેરી દવા પી લીધી હતી, ત્યારે એકના એક પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.