માં બાપ જલ્દી થઇ જજો સાવધાન,રાજકોટમાં પાણીના ટાંકામાં પડી જતા 3 વર્ષની બાળકીનું મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

રાજકોટ (Rajkot):માતા-પિતા માટે ચેતવણી સમાન આ ઘટનામાં રમતા-રમતા  પાણીના ટાંકામાં પડી જતા ત્રણ વર્ષની માસુમ બાળકીનું મોત નિપજ્યાનું સામે આવ્યું છે.

રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે એક હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. આ ઘટનામાં રમતા-રમતા પેન્ટાગોન એપાર્ટમેન્ટના પાણીના ટાંકામાં પડી જતા ત્રણ વર્ષની માસુમ બાળકીનું મોત નિપજ્યાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે માસુમનાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા એક વર્ષથી પેન્ટાગોન એપાર્ટમેન્ટમાં ચોકીદારી તરીકે કામ કરતા અને ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પરની ઓરડીમાં પરિવાર સાથે રહેતા ભુપેશભાઈ વુડાને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. જેમાં ત્રણ વર્ષની પુત્રી રિયાંશી મોટી છે.

ગઈકાલે આ એપાર્ટમેન્ટનાં પ્રાંગણમાં આવેલ મોટી ટાંકીમાં પાણીનું ટેન્કર નાખવામાં આવ્યા બાદ ટાંકો પાણીથી આખો ભરાઈ ગયો હતો. દરમિયાન સાંજે 5 વાગ્યે ભુપેશભાઈ અને તેના પત્ની દેવીબેન તેની પુત્રીને ઓરડી પાસે મૂકી એપાર્ટમેન્ટમાં કામ અર્થે ગયા હતા. જો કે, ત્રણ વર્ષની પુત્રી રીયાંશી રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

માસુમ બાળકીની શોધખોળ શરૂ કરતા  રાત્રે નવ વાગ્યાની આસપાસ પાણીના ટાંકામાંથી બાળકી મળી આવતા તાત્કાલિક સારવારમાં સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવી હતી.જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીને તપાસી મૃત જાહેર કરી હતી.જો કે, આ બનાવથી નેપાળી પરિવારમાં  શોકનો માહોલ સર્જાયો હતો.