રાજકોટમાં શબવાહિનીએ ડિવાઈડર કૂદી બાઈક ચાલકને ટક્કર મારતા ચાલક બ્રીજ પરથી પડી જતા ઘટના સ્થળે મોત.

રાજકોટ(Rajkot):રાજ્યભરમાં અકસ્માતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ વધુ એક રાજકોટમાંથી બનાવ સામે આવ્યો છે,જેમાં કોઠારીયાથી આજીડેમ ચોક જવા માટેના ઓવરબ્રિજ પરથી પસાર થતી રાજકોટ મનપાની શબવાહિની અચાનક રોડની બીજી સાઈડ આવી ચડી હતી. શબવાહિની રોડની બીજી સાઈડ આવીને એક બાઇકને અડફેટે લીધું હતું. જેના કારણે શબવાહિની અને બાઇક ચાલક પ્રૌઢ ઓવરબ્રિજ પરથી નીચે પડી ગયા હતા અને પ્રોઢનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર, ગોંડલ રોડ પરથી આવી કોઠારીયા ચોક ઓવરબ્રિજ પરથી પસાર થઇ આજીડેમ તરફ જવાના રસ્તા પર આવેલા ઓવરબ્રિજ પરથી રાજકોટ મહાનગરપાલિકાની શબવાહિની પસાર થઇ રહી હતી. જોકે આ પછી અચાનક એકાએક આ શબવાહિની રોડનું ડિવાઇડર કૂદી રોડની બીજી તરફ આવી ચડી હતી. જેમાં તેને એક બાઈકને અડફેટે લીધું હતું. જેના કારણે શબવાહીની તેમજ બાઈક ચાલક પ્રૌઢ પટકાયને ઓવરબ્રિજ પરથી નીચે પટકાયા હતા. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

પરિવારજનોના આક્ષેપ છે કે, એમ્બ્યુલન્સનો ડ્રાઈવર દારૂના નશામાં હતો. નશામાં હોય તો જ આવો અકસ્માત સર્જાઈ શકે બાકી કોઈ દિવસ ફિલ્મોમાં સર્જાય તેવો અકસ્માત રિયલમાં સર્જાઈ શકે નહીં.શબવાહિનીના ચાલકનું નામ રમેશ મકવાણા હોવાનું અને તે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી હોવાનું સામે આવ્યું છે. શબવાહીનીનું ટાયર ફાટતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયાનું કહેવામાં આવી રહ્યું છે.

બાઈક ચાલક 53 વર્ષિય દિનેશભાઇ ભીમજીભાઈ ખુંટ નામ હોવાનું સામે આવ્યું છે અને તેઓ શહેરના કુવાડવા રોડ પર ડીમાર્ટ નજીક ગારમેન્ટની દુકાન ધરાવે છે. તેઓ 11.30 વાગ્યે દુકાનથી નીકળી જમવા માટે પોતાના ઘર કોઠારીયા રોડ પર આવેલા સ્વાતિ પાર્ક જતા હતા. આ દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જેઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર ખુબ જ ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.