રાજકોટ(Rajkot): મંદી ના વાતાવરણને લીધે તેમજ વધતી જતી મોંઘવારીને લીધે ચોરીના બનાવ ખુબ જ બની રહ્યા છે, 3જી જુલાઈના રોજ સરધાર ગામ ખાતે બંધ મકાનમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના સહિત કુલ 16 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલની ચોરી થઈ હતી.
આ સમગ્ર મામલે રાજકોટ શહેર બ્રાન્ચ દ્વારા મુકેશ સોલંકી, વલ્લભભાઈ સોલંકી તેમજ જીતેશ સોલંકી ની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી અંદાજિત પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, 11 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવાનો બાકી છે.
પોલીસની પૂછપરછમાં આરોપી વલ્લભ સોલંકી આશરે 20 વર્ષ પૂર્વે જૂનાગઢ ખાતે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાઈ ચૂક્યો હોવાની કબુલાત આપી છે. તપાસમાં મુકેશ અને વલ્લભભાઈ બંને સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે, જ્યારે કે જીતેશ સોલંકી વલ્લભભાઈનો પુત્ર હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લાના સરધાર ગામ મગનભાઈ ઢાકેચા નામના ખેડૂતના ઘરમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ 16,59,500ના મુદ્દામાલની ચોરી થઈ હતી. સમગ્ર ઘટનામાં સામેલ બે જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ પણ સીસીટીવીમાં કેદ થવા પામ્યા હતા.
મગનભાઈ ઢાકેચા તેમજ તેમના પરિવારજનો રવિવારના રોજ ઘરની તાળા મારી કાલાવડ ખાતે પોતાના વેવાઈના ઘરે ગયા હતા. રાત્રે મોડું થઈ જતા તેઓ વેવાઈના ઘરે જ રોકાઈ ગયા હતા, બંધ મકાનને નિશાન બનાવી ઘરમાં રહેલા સોના તેમજ ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત 16 લાખથી પણ વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી.
સીસીટીવીને આધારે તસ્કરોને પકડીને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.