abp gujrati and gujrati news18
સુરત(surat) : નશીલા પદાર્થોનું વેચાણ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની વાતો પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ અવાર નવાર દારૂ અને ગાંજાનું વેચાણ થતું હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.
સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રુવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક શ્રમિક પરિવારની છ વર્ષની દીકરીને ડામ આપવામાં આવતા ચકચાર મચી ગયો હતો .
સચિન GIDC સ્લમ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં એક શ્રમિક પરિવાર તેના ત્રણ સંતાનો સાથે રહે છે. આ શ્રમિક પરિવારની નજીકમાં જ રહેતા સાહિલ અને તેની પત્ની ખુશી અવારનવાર આ શ્રમિક પરિવારના બાળકો પાસે ગાંજાના પેકિંગો કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આશરે ત્રણ દિવસ પહેલા શ્રમિક દંપતી રાત્રિના સમયે ફેક્ટરી પર કામ કરવા ગયું હતું અને ત્યારબાદ સવારે જ્યારે પરત આવ્યું ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા શ્રમિક દંપતીને કહેવામાં આવ્યું હતું કે, સાહિલ દ્વારા છ વર્ષની બાળકીને માર મારવામાં આવ્યો છે.
જ્યારે પરિવારે આ બાબતે સાહિલને પૂછ્યું ત્યારે સાહિલ અને તેની પત્ની દ્વારા કહેવામાં આવ્યું કે, તારી દીકરી ગાંજો ચોરી ગઈ છે તેથી તેને માર મારવામાં આવ્યો છે પરંતુ આ ઘટનામાં ગાંજો વેચનારા સાહિલ અને તેની પત્ની પર આક્ષેપ છે કે, તેમને આ છ વર્ષની દીકરીને ઈંડા અને સેન્ડવીચ શેકવાના મશીન વડે બાળકીના થાપાના ભાગે ડામ આપ્યા હતા.
તો બાળકીની માતા દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી નથી. તેમ જ ગાંજા નું વેચાણ કરનાર પોલીસને સમયસર પૈસા આપતો હોવાનો આક્ષેપ પણ કરાયો છે.
હાલ આ બાળકીને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો પોલીસે આ ઘટનાના ત્રણ દિવસ થયા છતાં અને હોસ્પિટલમાંથી એમએલસી થયું હોવા છતાં શા માટે ગાંજાનું વેચાણ કરનારા સાહિલ અને તેની પત્ની પર કોઈ કાર્યવાહી નથી કરી તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.