સુરતમાં આંખ આવવાની બિમારીએ ભરડો લીધો સિવિલમાં રોજ 300 થી વધુ દર્દીની લાઈન,4થી 5 કરોડની દવા વેચાઈ ગઈ

સુરત(surat):સુરતમાં દિવસે ને દિવસે આંખ આવવાની બીમારીમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,સિવિલ હોસ્પિટલમાં 300થી વધુ દર્દીની લાંબી લાઈન લાગી રહી છે. આ બિમારીનો ચેપ બાળકો અને વૃદ્ધોમાં ઝડપથી વધી રહ્યો હોવાથી સ્થિતિ ચિંતાજનક બની છે.

મેડિકલ સ્ટોર્સમાં ટીપાનું વેચાણ 10 ગણું વધ્યું છે. મોટાભાગના ગ્રાહકો મેડિકલ સ્ટોર્સ પર આંખના ટીપા અને એન્ટીબાયોટિક લેવા જ આવી રહ્યા છે.આંખ આવવાની આ જ સ્થિતિ રહી તો દવાનું વેચાણ 25થી 30 કરોડ સુધી પહોંચી શકે છે.

આ વાઇરલ ઇન્ફેક્શન હોવાના કારણે ખૂબ જ ઝડપથી ફેલાય છે.મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં આ બીમારી જોવા મળી રહી છે. હાલ આ ‘એડીનો વાયરસ’ના ચેપને કારણે કન્જેક્ટિવાઇટિસ કેસ વધ્યા છે. સામાન્ય રીતે આ વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે. કોઈના સંપર્કમાં આવવાથી જેને આંખ આવી છે, હાથનો સ્પર્શ અથવા વસ્તુઓના સ્પર્શથી પણ આ બિમારી થાય છે.

શહેરમાં અનેક મેડિકલ સ્ટોર્સ પર ટીપાની જ ડિમાન્ડ છે. શહેરમાં રોજ 10 લાખથી વધુના ટીપા વેચાઇ રહ્યા છે. જેમ-જેમ રોગનો વ્યાપ વધશે અને તેમ તેમ આ ફિગર વધશે.

તકેદારી જાળવવા શું ન કરવું

 • આંખને હાથ લગાવવો નહીં
 • રૂમાલ કે કપડાથી આંખ લુછવી કે ખંજવાળવી નહીં
 • એકબીજા સાથે હાથ મિલાવવું ટાળવું
 • અસરગ્રસ્ત વ્યક્તિએ પોતાના રૂમાલ, નેપકીન, ચાદર, તકીયો વગેરે અલગ રાખવા
 • કોમ્પ્યુટર કીબોર્ડ, મોબાઈલ, ચાવી, પેન વગેરે પણ અન્યને વાપરવા આપવા નહીં
 • શાળા તથા જાહેર સ્થળે જવું નહીં
 • સ્ટેરોઇડવાળા ટીપા આંખના ડોક્ટરને પૂછ્યા વિના કોઈ પણ સંજોગોમાં વાપરવા નહીં.

  આંખ આવે તો શું કરવું

  • આંસુ ટીશ્યુ પેપરથી લુછી સીધું ડસ્ટબીનમાં ફેકવું
  • ખંજવાળ વધારે આવે તો સુકો ઠંડો સેક કરવો
  • પોકેટ સેનિટાઈઝર રાખી વારંવાર હાથ સાફ કરવા
  • વાલીઓએ બાળકોને યોગ્ય સૂચના સાથે જેલયુક્ત પોકેટ હેન્ડ સેનિટાઈઝર આપવું
  • વારંવાર સાબુથી હાથ ધોવા
  • ડોક્ટરની સલાહ મુજબ એન્ટિબાયોટિક આઇ ડ્રોપ અથવા ઓઇન્ટમેન્ટ લગાવી શકાય