સુરતમાં સચિન GIDC વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા ચાર દબાયા: એક શ્રમિકનું મોત, ત્રણને બચાવાયા.

સુરત (Surat ): શહેરમાં વરસાદની સિઝનમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે.  ડાયમંડ નગરી સુરતના સચિન GIDC વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ હતી.મળતી માહિતી પ્રમાણે, સચિન જીઆઇડીસીમાં સેતેશ્વર હોટેલ પાસે રોડ નંબર 277 પર સચિન ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલની કન્સ્ટ્રક્શન સાઈડ ચાલી રહી છે.

આજે 15થી વધુ કામદારો બેઝમેન્ટમાં સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા. દરમિયાન બાજુમાં આવેલા ખાતાની 12થી 15 ફૂટની દીવાલ ધરાશાયી થઈ હતી.દીવાલ પડતી હોવાનું જોતા તમામ કામદારો ભાગ્યા હતા. જો કે, ચાર જેટલા કામદારો ભાગવા જતા પડી ગયા હતા અને દીવાલ સીધી તેમના પર પડી હતી. દીવાલ પડવાના કારણે અફરાતફરી સર્જાઇ ગઈ હતી.

ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ભેસ્તાન, ડીંડોલી અને સચિન જીઆઇડીસી ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.ફાયર વિભાગે બે સામાન્ય ઈજાગ્રસ્ત થયેલાને સારવાર અર્થે ખસેડ્યા હતા ત્યારબાદ 40 વર્ષીય ભરત વેલજીભાઈ બરિયાને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા હતા. જો કે, તેમનું મોત નિપજી ચૂક્યું હતું.

જ્યારે અન્ય એક કિરણ નામનો કામદાર પણ દબાયેલો હતો, જેને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો.. પાણીનું પોલાણ હોવાથી દિવાલ ધરાશાયી હોવાની શક્યતા છે.