સુરત (Surat ):સુરતમાં બર્થ-ડે પાર્ટી ઉજવણીનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો હોય એમ નબીરાઓ દ્વારા જાહેર રસ્તાઓ ઉપર ઉજવણી કરવાનું શરૂ કર્યું છે, ફરી એક વખત આવી જ ઉજવણી સુરતના નવા બનેલા રિંગ રોડ ઉપર નબીરાઓ દ્વારા કરવામાં આવી હતી. સુરતના ખડસદ ગામની સીમમાંથી પસાર થતા નવા બનેલા રિંગ રોડ ઉપર જાહેરમાં અન્ય વાહનચાલકોને જોખમ ઊભું થાય એ રીતે બર્થ-ડેની ઉજવણી કરવામાં આવી હતી.
આવી ઉજવણી સામે પ્રતિબંધ લગાવવા પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. એમ છતાં જાહેરનામાનો ભંગ કરીને નબીરાઓ આ પ્રકારની ઉજવણી કરતા રહે છે. મળતી જાણકારી મુજબ ,તેમણે રિંગ રોડ પર ચારથી વધુ કારને રસ્તા ઉપર મૂકી દીધી હતી. ત્યાર બાદ કારના બોનેટ પર 8થી 10 કેક મૂકવામાં આવી હતી અને જાહેર રસ્તા પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, રસ્તા ઉપર નબીરાઓએ બર્થ-ડે સેલિબ્રેશનની આડમાં ભારે ધમાલ મચાવી હતી. એને લઇ અન્ય રાહદારીઓ માટે પણ જીવનું જોખમ ઊભું કર્યું હતું.
પોલીસના જાહેરનામાનો ભંગ કરીને જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હોવા છતાં નબીરાઓએ આવી પાર્ટીનો વીડિયો પણ વાઇરલ કર્યો હતો. કામરેજ પોલીસે વાઇરલ વીડિયોના આધારે 7 નબીરાની જાહેરનામા ભંગ મુજબ ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.