પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પરિણીતાને ત્રાસ , સગીબહેનને દેરાણી બનાવી છતા સાસરિયાઓએ ત્રાસ આપી બંનેને તગેડી મૂકી

ગાધીનગર (Gadhinagar):હાલમાં ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રજાપતિ વાસમાં રહેતી 32 વર્ષીય પરિણીતાના લગ્ન ડિસેમ્બર – 2008 માં ઉનાવા ગામના યુવક સાથે અમદાવાદ વસ્ત્રાલ ખાતે સમુહ લગ્નમાં થયા હતા. લગ્ન પછી પરિણીતા પેથાપુરની શુભમ સોસાયટીમાં પતિ, દિયર અને સાસુ વિગેરે સાથે રહેતી હતી.

લગ્નના બે વર્ષ પછી પરિણીતા ગર્ભવતી થતા તેને કસુવાવડ થઈ હતી. અને હ્રદયની બિમારી હોવાનું પણ નિદાન થતાં ડોક્ટરે ફરીથી પ્રેગેન્સી રાખવામાં જોખમ થશે તેવી સલાહ પણ આપી હતી. છતાં પણ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પતિ સહિતના સાસરિયાએ જબરજસ્તીથી પરિણીતાને ગર્ભધારણ કરવા માટે મજબૂર કરાઈ હતી.

જે બાદથી સાસુ તથા પતિનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. અને દરેક વાતમાં મેણાં ટોણાં મારી બાળક રાખવા બાબતે દબાણ કરતા રહેતા હતા. આથી પરિણીતાએ મજબૂરીવશ ગર્ભ ધારણ કર્યો હતો. અને દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારથી પતિ અને સાસુનાં વર્તનમાં બદલાવ આવી ગયો હતો. જેઓ દીકરી બાબતે ગમે તેમ બોલવા માંડ્યા હતા.

બાદમાં પતિ – સાસુ હ્રદયની બીમારી હોવા છતાં દીકરો લાવવા માટે પરિણીતાને ફરી ગર્ભધારણ કરવા માટે દબાણ કર્યા કરતા હતા. આખરે તેઓની પુત્ર પ્રાપ્તિની મહેચ્છા પૂર્ણ કરવા પરિણીતાએ પોતાની બહેનના લગ્ન દિયર સાથે કરાવવાની નોબત આવી હતી. ત્યારે બહેનમાંથી બનેલ દેરાણીએ પુત્રને જન્મ આપ્યો હતો. છતાં પણ સાસરિયાનો ત્રાસ ઓછો થયો ન હતો. બીજી તરફ હ્રદયની બીમારીની સારવાર પણ પતિ કરાવતો નહીં હોવાથી પરિણીતા પિયર જઈને સારવાર કરાવવા મજબૂર બની હતી.

અને બંને દેરાણી જેઠાણીને પિયર જવા પર પાબંધી મૂકીને શારીરિક માનસિક ત્રાસ આપી તરછોડી દેવામાં આવી હતી.જે બાબતે સામાજિક રાહેના સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડતા પતિ,દિયર, સાસુ અને નણંદ વિરુદ્ધમાં પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.