કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી :ગુરુકુળ અને વરીયાવને જોડતા બ્રિજનું 40 દિવસ પહેલાં ઉદ્ઘાટન કર્યું ‘ને હવે બ્રિજ બેસી ગયો…. વાહનવ્યવહાર બંધ કર્યો

સુરત (Surat):સુરતમાં વેડ-વરિયાવ બ્રિજ પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.  શહેરના છેવાડે આવેલા વેડ-વરીયાવ બ્રિજનો ઉતરવાનો એપ્રોચ બેસી જતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

18મી મેના દિવસે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે માત્ર 40 દિવસમાં જ બ્રિજ બેસી જતા તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે.આ બ્રિજનો પાયો નંખાયો તે દિવસથી જ આ બ્રિજ વિવાદમાં હતો. બિલ્ડરોના હિત માટે આ બ્રિજ બનાવવામાં આવ્યા હોવાનું વિરોધ પક્ષ તરીકે રહેલી આપ પાર્ટીએ આક્ષેપો કર્યા હતા. ઉદ્ઘાટનના દિવસે પણ વિપક્ષ પાર્ટી આપે વિરોધ કર્યો હતો.

ગુજરાતનું આર્થિક પાટનગર સુરત ‘બ્રિજ સિટી’ તરીકે ઓળખાય છે. સુરતમાં ગમે તે વિસ્તારમાં જાઓ બ્રિજ જ જોવા મળે છે. ત્યારે 40 દિવસ પહેલાં જ સુરતના વેડ અને વરિયાવને જોડતા બ્રિજનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું.મહત્ત્વનું છે કે, સુરતમાં છેલ્લા એક મહિનામાં આવી ત્રીજી ઘટના સામે આવી છે. ત્યારે મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે.