વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતી પરિવાર વેરવિખેર, યુવક 30 ફુટ ઉંચી દિવાલથી પટકાતા મોત, પત્ની અમેરિકામાં તો બાળક મેક્સિકોમાં સારવાર હેઠળ

અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરવાના વિચારમાંગાંધીનગરના કલોલનો એક પરિવારનો માળો વિખાય ગયો. અમેરિકા અને મેક્સિકો બોર્ડર પર આવેલી 30 ફુટ ઉંચી ટ્રમ્પ વોલ પરથી યુવાન, તેની પત્ની અને બાળક પડ્યા હતા, જેમાં યુવાનનું મોત થયું છે અને પત્ની અને માત્ર 3 વર્ષના બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકામાં ગેરકાયદે ઘુસવાના ચક્કરમાં ઘણા લોકો જાન ગુમાવી રહ્યા છે, પરંતુ લોકોની આંખ હજુ ખુલતી નથી.

ગાંધીનગરના નિવાસી કલેક્ટર ભરત જોશીએ જણાવ્યું હતું કે, બ્રિજકુમાર યાદવ કલોલના છત્રાલમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તે પરપ્રાંતીય હતો અને કામ માટે અહીં આવ્યો હતો. બ્રિજકુમાર તેના પરિવાર સાથે એજન્ટની મદદથી અમેરિકા જવા નિકલ્યા હતા. મેક્સિકો અને અમેરિકા વચ્ચે બનાવવામાં આવેલી ટ્રમ્પ વોલથી એજન્ટો લોકોને ગેરકાયદે રીતે અમેરિકાં ઘુસણખોરી કરાવે છે. આ દિવાલ પાર કરીને ડાયરેક્ટ અમેરિકામાં પહોંચી શકાય છે.

અમેરિકામાં ઘુસવાની લાલચમાં બ્રિજેશ કુમાર પણ તેના પરિવાર સાથે ટ્રમ્પ વોલ ચડી રહ્યા હતા, પરંતુ સદનસીબે બ્રિજેશ, પત્ની અને બાળક ત્રણેય ટ્રમ્પ વોલ પરથી સીધા નીચે પડ્યા હતા. જેમાં બ્રિજેશનું મોત થઇ ગયું હતું અને પત્ની અને બાળકની હાલત ગંભીર છે. હાલમાં બંનેને મેક્સિકોની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમેરિકાની સરહદે શરણાર્થીઓ અને લોકો મેક્સિકો દેશમાંથી ઘુસણખોરી કરવાની એક મોટી સમસ્યા હતી જેના કારણે અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 30 ફુટ ઉંચી દિવાલ અને લોખંડની ફેન્સિંગ બનાવી હતી, જેથી કરીને લોકોની અમેરિકામાં ઘુસણખોરી અટકી શકે.

આગળ પણ આવી જ ઘટના બની ગયેલ છે. જાન્યુઆરી 2022માં ડિંગુચા ગામમાં રહેવાસી જગદીશ પટેલ તેમની પત્ની વૈશાલી અને પુત્રી વિહંગા, પુત્ર ધાર્મિક કેનેડા બોર્ડરથી અમેરિકામાં ગેરકાયદેસાર પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે કાતિલ ઠંડીને કારણે ચારેય જણાના મોત થયા હતા. આ ઘટનાના તે વખતે ભારે પ્રત્યાઘાત પડ્યા હતા છતા અમેરિકામાં ઘુસણખોરી અટકતી નથી.