ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને પડી જશે મોજ, જાણો પવનની ગતિ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તરાયણે સારો પવન રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે. આગામી 2 દિવસ ઠંડી વધવાની શક્યતા છે. આવતીકાલે રાજ્યમાં 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. ઉત્તરાયણ પર પવન સારો રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આવતીકાલે ઉતર પૂર્વ દિશા તરફથી પવન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડી જામશે. સવારે અને સાંજે તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળશે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે.

આ વર્ષે ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેવાની વાતથી પતંગ રસિયાઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ઉત્તરાયણમાં સૌથી પવનનું હવામાન ગણાતું હોય છે કારણ કે પતંગ ચગાવવા માટે હવા સારી હોય તે જરુરી છે. હવામાન વિભાગ બાદ હવામાન નિષ્ણાંતો દ્વારા પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર પવન સારો રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, પતંગ અને ફીરકીની ખરીદી કરવા જઈ રહેલા લોકોને એક બાબતનો કડવો અનુભવ પણ થઈ રહ્યો છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, ઘણાં વર્ષો પછી આ વખતે પવનની દિશા અને ગતિ બરાબર રહેવાની છે. 14મી તારીખે એટલે કે ઉત્તરાયણના દિવસે સવારે પવનની દિશા ઉત્તર-પૂર્વની અને ઉત્તરની રહેશે, મોટાભાગની જગ્યાએ 20-25 Kmphની ગતિ સાથે પવનની ગતિ રહેશે જ્યારે કેટલાક જગ્યાઓ પર 25kmph કરતા પણ વધુ પવનની ગતિ રહેવાની સંભાવના છે.

દિવસ દરમિયાન કેવો રહેશે પવન?: હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી જણાવે છે કે, 14મી અને 15મી જાન્યુઆરીએ પવનની ગતિ 20થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂકાશે આ સિવાય કેટલાક સમય દરમિયાન તે વધીને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે. એટલે કે પતંગ રસિયાઓએ ઠૂમકા મારીને પોતાના ખભા અને હાથ દુખાડવા પડશે નહીં.

અમદાવાદમાં પણ ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીના આંકડાની વાત કરીએ તો વલસાડમાં સૌથી નીચુ 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો વડોદરામાં ઠંડીનો પારો 14.4 ડિગ્રી પર પહોંચી ગયો હતો. વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો નલિયામાં ઠંડીનો પારો 14.8 ડિગ્રી પર પહોંચ્યો હતો.

જો કે આગામી 14 અને 15 જાન્યુઆરીના રોજ નલિયામાં ઠંડીનો પારો ચાર ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કેશોદમાં ઠંડીનો પારો 15.7 ડિગ્રી, સુરત અને સંઘ પ્રદેશ દમણમાં ઠંડીનો પારો 16 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ગાંધીનગરમાં ઠંડીનું તાપમાન 16.2 ડિગ્રી નોંધાયુ. મહુવામાં ઠંડીનો પારો 16.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો પોરબંદર, અમદાવાદ અને સંઘ પ્રદેશ દિવમાં ઠંડીનો પારો 17 ડિગ્રી પર પહોંચ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 14થી 16 જાન્યુઆરીમાં ઠંડીનો પારો નવ ડિગ્રી સુધી ગગડી શકે છે. અમરેલીમાં ઠંડીનો પારો 17.3 ડિગ્રી, ભાવનગરમાં 17.4 ડિગ્રી, ભૂજમાં 17.6 ડિગ્રી અને ડીસામાં ઠંડીનો પારો 17.8 ડિગ્રી સુધી નોંધાયો. તો રાજકોટમાં 18.7 ડિગ્રી અને વેરાવળમાં ઠંડીનો પારો 19.3 ડિગ્રી પર પહોંચ્યો હતો.