ભારે વરસાદને કારણે રોડ તૂટી જતા ઠેરઠેર ટ્રાફીકની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠાના પાલનપુર આબુરોડ હાઇવે પોલીસે દ્વારા બંધ કરવામાં આવતા રોડ બ્લોક થઈ ગયો છે અને અનેક વાહન ચાલકો અટવાયા છે.સામાન્ય વરસાદમાં અમદાવાદ-આબુરોડ નેશનલ હાઇવે ઉપર ખાડા પડી જવાને કારણે અનેકવાર વાહનો ફસાઈ ચુક્યા છે, તો બેથી ત્રણ વખત ટ્રકો માલ સમાન સાથે પલટી પણ મારી ગઈ છે.
જોકે ગઈકાલે પડેલા સામાન્ય વરસાદમાં જ હાઇ- વે ઉપર ખાડાઓ પડી જતા અને તેમાં પાણી ભરાઈ જતા હાઇવે બંધ કરાયો છે જેને લઈને પાલનપુરના એરોમા સર્કલ પર બેરીકેટ લગાવી દેવાયા છે. જોકે એક જ મહિનામાં ચોથી વાર હાઇ-વે બંધ કરી દેવાયો છે.
જોકે નેશનલ હાઇવે ઓથોરિટી અને તંત્ર દ્વારા ખાડાઓની સમસ્યાનો કાયમી ઉકેલ ન લાવતા વારંવાર આ સમસ્યા સર્જાતાં વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને વાહનોને ડાયવર્ટ કરાઈ રહ્યા છે.આબુરોડ અને રાજસ્થાન જતા તમામ વાહનોને ચંડીસર, વાઘરોલ થઈ ચિત્રાસણી સુધી 30- 35 કિ.મી લાબું ડાયવર્ઝન અપાયું છે જેને લઈને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.