લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી બ્રારે સલમાન ખાનને ધમકી આપતો મેલ મોકલ્યો, ફરિયાદ નોંધાઈ, ભાઈજાનની સુરક્ષા કડક

અભિનેતા સલમાન ખાનને મળેલી નવી ઈમેઈલની ધમકી બાદ બાંદ્રા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સાયબર ટીમ ઈન્ટરનેટ પ્રોટોકોલ (IP) એડ્રેસ અને સર્વરની વિગતો એકત્રિત કરી રહી છે જેથી ધમકીનો મેલ મોકલનાર વ્યક્તિને ટ્રેક કરી શકાય.

મુંબઈ: અભિનેતા સલમાન ખાનને મળેલી નવી ઈમેઈલની ધમકી બાદ બાંદ્રા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સાયબર ટીમ ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) એડ્રેસ અને સર્વરની વિગતો એકત્રિત કરી રહી છે જેથી ધમકીનો મેલ મોકલનાર વ્યક્તિને શોધી શકાય.” સલમાનના પી.એ. કોઈપણ વિગતો જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ જણાવ્યું હતું કે ઈમેલ ધમકીનો અભિનેતા દ્વારા જૂન 2022 માં મળેલી અગાઉની ધમકી સાથે કોઈ લેવાદેવા નથી.

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને તેની ઓફિસમાં મોકલવામાં આવેલા ઈ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે. જેના પગલે મુંબઈ પોલીસે ‘ગેંગસ્ટર’ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર વિરુદ્ધ FIR નોંધી છે. ઈ-મેલ મોકલનારએ લખ્યું કે, “ગોલ્ડી ભાઈ (ગોલ્ડી બ્રાર) સલમાન ખાન સાથે રૂબરૂ વાત કરવા માંગે છે.” અધિકારીએ જણાવ્યું કે, શનિવારે નોંધાયેલી એફઆઈઆરમાં બિશ્નોઈ અને બ્રાર ઉપરાંત રોહિતનું પણ નામ છે. ભટિંડા જેલમાં બંધ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના આરોપી છે. આ ફરિયાદ પ્રશાંત ગુંજલકરે બાંદ્રા પોલીસમાં નોંધાવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગુંજલકર ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને અવારનવાર મુલાકાત લે છે અને કલાકારો સાથે જોડાયેલ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. ગુંજલકર શનિવારે બપોરે ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં ખાનની ઓફિસમાં હતા ત્યારે તેમણે ‘રોહિત ગર્ગ’ના આઈડી પરથી એક ઈ-મેલ જોયો હતો, એમ અધિકારીએ એફઆઈઆરને ટાંકીને જણાવ્યું હતું. આ ઈ-મેલ હિન્દીમાં લખવામાં આવ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે સલમાન ખાને લોરેન્સ બિશ્નોઈએ એક ન્યૂઝ ચેનલને આપેલો તાજેતરનો ઈન્ટરવ્યુ જોયો જ હશે અને જો તેણે તે ન જોયો હોય તો તેણે જોવો જોઈએ.

એફઆઈઆર અનુસાર, ઈ-મેઈલમાં ગુંજલકરને કહેવામાં આવ્યું હતું કે જો ખાન આ મામલાને ખતમ કરવા ઈચ્છે તો ગોલ્ડીભાઈ સાથે રૂબરૂ બેસીને વાત કરે. ઈ-મેઈલમાં કહ્યું કે હજુ સમય છે પણ “આગલી વખતે ફટકો જોવા મળશે.” FIR ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત કાવતરું), 506-II (ગુનાહિત ધમકી માટેની સજા) અને 34 (સામાન્ય હેતુ) હેઠળ નોંધવામાં આવી છે. હાલમાં જ એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા બિશ્નોઈનો એક ઈન્ટરવ્યુ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જૂન 2022માં પણ એક અજાણ્યા વ્યક્તિએ ખાનને ધમકી આપી હતી.