સુરત (Surat ):સુરતમાં 22 વર્ષીય યુવતીને પ્રેમ લગ્ન કરીને પસ્તાવવાનો વારો આવ્યો છે. લગ્નના ત્રણ મહિના બાદ પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો .મળતી જાણકારી મુજબ,, 22 વર્ષીય યુવતીએ વર્ષ 2021માં કતારગામ વિસ્તારમાં રહેતા વિવેક કાચરિયાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નગાળા દરમ્યાન તેઓને સંતાનમાં 1 વર્ષની દીકરી પણ છે.
પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત પરિણીતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં પતિ, સાસુ અને નણંદ સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જો કે, લગ્નના ત્રણ મહિના સુધી પરિણિતાને સારી રીતે રાખ્યા બાદ પરિવારમાં પતિ, સાસુ અને નણંદ દ્વારા તેને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. તેની સાથે મારઝૂડ અને તેને ફોન પણ રાખવા દેવામાં આવતો ન હતો. ઘરની બહાર એકલા નીકળવા દેવામાં આવતી ન હતી. તેમજ પરિણીતાને પિયરમાં વાત પણ કરવા દેતા ન હતા. છેલ્લા 1 મહિનાથી પરિણીતાને સમયસર ખાવાનું પણ આપતા ન હતા અને સવારના ચાર વાગ્યે જગાડીને ઘરના કામકાજ કરાવતા હતા..
રાત્રીના સમયે સુવા પણ દેતા ન હતા અને પરિણીતાને તેઓની પાસે ઉભા રાખતા હતા અને પરિણીતા બેસે તો તેણીને માર મારવામાં આવતો હતો. તેમજ પરિણીતાને ઘરમાં કોઈ પણ કામ કરીને મહિને 15 હજાર રૂપિયા દર મહીને કમાઈને ઘરમાં આપવાનું જણાવતા હતા.
14 ઓગસ્ટે રાતે સાસુએ મોઢામાં ડૂચો ભરાવી દરવાજા બંધ કરી પતિ અને નણંદે લાકડી વડે માર મારી વાળ કાપી નાંખ્યા હતા. વધુ ઈજા થતાં પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. ત્યારે પોલીસે દોડી જઈ પરિણીતાની ફરિયાદ લઈ પતિ વિવેક ,સાસુ મીનાબેન અને નણંદ સ્નેહા વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી.