આ મામલાને લઈને તપાસ અધિકારીએ કહ્યું કે આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને પીડિતોની સંખ્યા 10થી વધુ હોઈ શકે છે. કોર્ટે વધુ તપાસ માટે બશીરને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગઈકાલે ઓછામાં ઓછા 10 સગીર વિદ્યાર્થીઓ પર બળાત્કાર કરવા બદલ મદરેસાના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. સંબંધિત પોલીસ અધિકારી અખ્તર ફારુકે જણાવ્યું કે આરોપી કારી બશીરે લાહોરથી લગભગ 500 કિલોમીટર દૂર સાદીકાબાદ રહીમ યાર ખાનના ‘ભુટ્ટા વહાન’ વિસ્તારમાં છેલ્લા બે મહિના દરમિયાન છોકરાઓની છેડતી કર્યાની કબૂલાત કરી હતી. તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
મદરેસાના વિદ્યાર્થીઓના માતા-પિતાએ એફઆઈઆર નોંધાવ્યા બાદ પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી. એફઆઈઆરમાં આરોપ છે કે બશીર તેમના બાળકોને બળજબરીથી મદરેસામાં પોતાના રૂમમાં લઈ ગયો અને તેમની છેડતી કરતો હતો. પોલીસે ચારેય પીડિતોને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
ફારુકે કહ્યું, અમે અન્ય વિદ્યાર્થીઓને વિનંતી કરી છે કે જો તેઓનું પણ યૌન શોષણ થયું હોય તો પોલીસને જાણ કરે. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પીડિતાઓએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપીએ દુષ્કર્મ કર્યા પછી કહ્યું હતું કે જો તેણે આ વિશે કોઈને કંઈપણ કહ્યું તો તે તેમને મારી નાખશે.