આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે,ઘણા સાવ જ ગરીબ પરિવાર માંથી આવતા હોવા છતાં માતા પિતાનું નામ રોશન કર્યું છે,કોઈના પિતાનું હાર્ટ એટેકથી મોત થયા બાદ પણ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે. કોઈ એસી રિપેરિંગ કરનારાના પુત્ર, રત્નાકલાકાર, ખેડૂત પુત્ર છે જેઓએ જળહળતું પરિણામ મેળવી પરિવારની ખુશીમાં બમણો વધારો કર્યો છે. જ્યારે એક વિદ્યાર્થીના માતાની બન્ને કિડની ફેલ હોવા છતાં માતાની તબિયતનો ખ્યાલ રાખતા રાખતા A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ રાજકોટના ચંદ્રમોલી વડોદરિયા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, મારે ધોરણ 10માં 99.64 PR આવેલ છે. મારા પિતાનું નામ દીપકભાઈ અને માતાનું નામ જયશ્રીબેન છે. મારે ગત વર્ષે બોર્ડની શરૂઆતના સમયમાં જ પિતાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું.
તેઓ ખેતી કામ કરતા હતા. હું શરૂઆતથી જ ભણવામાં ખૂબ મહેનત કરતો હતો અને રોજ સ્કૂલે જે અભ્યાસ કરાવે તેનું ઘરે 5થી 6 કલાક વાંચન કરી રિવિઝન કરતો હતો. આજે ખૂબ સારું પરિણામ હાંસલ કર્યું છે. મારું સ્વપનું છે આગળ વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું અને એ સ્વપનું હું સાકાર કરીને જ રહીશ.