હમણાં ને હમણાં વિદેશમાં લઇ જવાના નામે લોકો પાસેથી એજન્ટો બેફામ પૈસા પડાવી લેવાના કિસ્સા વધતા જાય છે . આ બનાવ માં મળતી જાણકારી મુજબ ચેતનાબેન રબારીએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેમના પતિ ભરતભાઇ બાબરભાઇ રબારી ખેતી અને પુશપાલનનો વ્યવસાય કરતા હતા. સાત મહિના પહેલાં તેમના ઘરે એજન્ટ દિવ્યેશકુમાર ઉર્ફે જોની મનોજકુમાર પટે આવ્યા હતા તેમજ ભરતભાઇને વર્ક પરમિટ પર અમેરિકા લઇ જવાની વાત કરી હતી.
આ માટે 70 લાખ રૂપિયા આપવા પડશે એમ તેમણે જણાવ્યું હતું. એમાં અમેરિકા જતાં પહેલા 20 લાખ અને ત્યાં પહોંચ્યા બાદ 50 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી,જેથી ભરતભાઇએ સગાં-સંબંધીઓ પાસેથી 20 લાખ રૂપિયા ઉછીના લઇને એજન્ટ દિવ્યેશભાઇને આપ્યા હતા તેમજ બાકીના રૂપિયા અમેરિકા જઇ નોકરી કરી ચૂકવી આપશે એમ નક્કી કર્યું હતું.
તારીખ 8 જાન્યુઆરી 2023ના રોજ ભરતભાઇ અમેરિકાના જવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં એજન્ટ દિવ્યેશભાઇએ ભરતભાઇને મુંબઈ જવાની ફ્લાઇટમાં બેસાડ્યા હતા.તેમજ તેમના પતિ મુંબઇથી નેધરલેન્ડ, પોર્ટ ઓફ સ્પેન અને ત્યાંથી યુવકને ડોમિનિકા લઇ જવાયા બાદ છેલ્લા છ મહિનાથી ગુમ છે.
પતિ સાથે ઘણા દિવસો સુધી સંપર્ક ન થતાં પત્ની ચેતનાબેને તેમના બે કુટુંબીજનોને એજન્ટ દિવ્યેશભાઇને મળવા માટે મોકલ્યા હતા તો તેણેકહ્યું હતું કે, દસ-પંદર દિવસમાં તમારા પતિ સાથે વાતચીત થઇ જશે અને અમેરિકા પહોંચી જશે. જોકે પંદર દિવસ ઉપર પણ સમય થઇ જવા છતાં પતિનો કોઇ સંપર્ક થયો નહોતો. .જેથી ચેતનાબેન ફરી એકવાર કુટુંબીજનો સાથે મહેન્દ્રભાઇને મળવા ગયા હતા. મહેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે અમારા પર વિશ્વાસ રાખો. તમારા પતિ ભરતભાઇની સાથે બીજા આઠ માણસ પણ છે.
જેથી ચેતનાબેન દ્વારા પતિ સાથે અન્ય ગુજરાતીઓ હતા, તેમના પરિવારની સાથે મુલાકાત કરી તો તેમનો પણ તેમનાં પરિવારજનો સાથે છેલ્લા સાત મહિનાથી સંપર્ક નથી થયો એમ જાણવા મળ્યું હતું.