કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મહિપાલસિંહ વાળા શહીદ,,જમ્મુથી અમદાવાદ લવાશે શહીદ જવાનનો નશ્વરદેહ.

અમદાવાદ (Amdavad ):જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગરમાં રહેતા 25 વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા છે.

આજે 4 વાગતા શહીદ જવાનનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો. જ્યાંથી મૃતદેહને એરપોર્ટના મેઘાણીનગર ગેટથી બહાર લાવવામાં આવ્યો હતો.  શહીદ વીર જવાન મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સદાશિવ સોસાયટી વિરાટનગર રોડ નિવાસસ્થાને સાંજે 6 વાગ્યે પહોંચશે.. મહિપાલસિંહના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ઘરની બહાર ભીડ જમા થઈ છે. રોડ ઉપર બેનરો લગાવવામાં આવ્યા છે. મહિપાલસિંહના પરિવારજનમાં તેમની પત્ની માતા મોટાભાઈ અને બે બહેનો છે.

મહિપાલસિંહ આશરે પાંચેક વર્ષ પહેલા ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા. એક મહિના પહેલા તેઓ અમદાવાદ ખાતે આવ્યા હતા. મહિપાલસિંહના લગ્ન આશરે ત્રણેક વર્ષ પહેલાં થયા છે. તેમની પત્ની હાલમાં ગર્ભવતી છે અને તેમના 9 મહિના પૂર્ણ થઈ ગયા છે. આજે સવારે જ તેઓને ડિલિવરીનો દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકતરફ મહિપાલસિંહના પત્ની હોસ્પિટલમાં છે અને બીજી તરફ આજે આ દુઃખદ સમાચાર આવતા પરિવારજનો ઉપર ખૂબ જ આફત આવી પડી છે.