અમદાવાદ(Amadavad):અમદાવાદમાં થનારા અકસ્માતે સૌ લોકોને ધ્રુજાવી દીધા છે,9 લોકોને કચડનાર તથ્ય પટેલ પર પણ લોકો ખુબ જ ગુસ્સો કરી રહ્યા છે,ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલ સાથે કારમાં જે બે યુવતી હતી તે મકરબા વિસ્તારમાં પીજીમાં રહેતી હતી. આ ઉપરાંત જે યુવકો કારની અડફેટે આવી મૃત્યુ પામ્યા તેમાંના મોટાભાગના અમદાવાદના એસજી હાઈવેની આસપાસના પીજીમાં રહેતા હતા.
માટે જ આજકાલ અમદાવાદમાં પીજી ચર્ચાનો મુદ્દો બન્યો છે.ઘણા કિસ્સામાં મા-બાપ પણ પોતાનાં સંતાન મોટાં શહેરોમાં કેવી પરિસ્થિતિમાં રહે છે, તે પ્રત્યક્ષ રીતે જોવા આવતાં નથી. હાલના સમયમાં ઘણા યુવાનો પીજીમાં રહેવામાં વધુ સાનુકૂળતા અનુભવે છે. ગમે તે કારણસર કોઈ રોક-ટોક કરે એ તેમને ગમતું નથી હોતું.
ગુરુકુળ અને થલતેજમાં ગર્લ્સ પીજી ચલાવી રહેલા સંચાલક ધરતીબેન અને કોમલબેને નોંધવા જેવા પરિવર્તન અંગે વાત કરતા કહ્યું, ‘ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કરેલા અકસ્માત બાદ હવે કેટલાક વાલીઓ સંતોનાની વધારે ચિંતા કરતા થયા છે. તેઓ હવે સીધા અમને જ ફોન કરીને કહેતાં હોય છે કે તમે એમનું ધ્યાન રાખજો. એમની દિનચર્યામાં જો કોઈ ફેરફાર આવે તો અમને ફોનથી જાણ કરજો.’
‘એક પીજી સંચાલક તરીકે અમે માનીએ છીએ કે દીકરીની સંભાળ રાખવાની જવાબદારી અમારી હોય છે. પરંતુ અમારી સાથે-સાથે તેમનાં માતા-પિતાએ પણ દીકરી કઈ કોલેજમાં ભણે છે? ક્યારે જાય છે? શું કરે છે? વગેરે બાબતે ધ્યાન રાખવું પડે.’
ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત સમયે તથ્ય સાથે કારમાં ત્રણ યુવતીઓ પણ સવાર હતી. આ વાતો સમાચારોમાં આવી તો તેની અસર કેટલાંક મા-બાપ પર ખૂબ ગંભીર રીતે થઈ છે.
થલતેજના પીજીમાં રહેતી અપર્ણાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ‘હું છેલ્લા 3 થી 4 મહિનાથી પીજીમાં રહું છું. અત્યાર સુધી તો બે ત્રણ દિવસે ઘરે વાત થતી હતી. પણ જ્યારથી ઇસ્કોન બ્રિજ પર અકસ્માત થયો ત્યાર પછી અવાર-નવાર ઘરેથી ફોન આવતા હોય છે. મમ્મી-પપ્પા સવાલ કરે છે કે તમે ક્યાં છો? શું કરો છો?કોની સાથે છો?’
વાલીઓએ તેમના સંતાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજે ટેક્નોલોજીની સગવડ છે, એટલે વીડિયો કોલ દ્વારા પણ દિવસમાં એકાદ વખત વાત કરીને તે ક્યાં છે? શું કરે છે? એ જાણી શકાય.
બીજી તરફ સંતાનોની પણ એક જવાબદારી છે કે તેમણે પોતાનાં માતા પિતાને કહીને જ ક્યાંય જવું જોઈએ અને પોતે શું કરી રહ્યાં છે એ પણ કહેવું જોઈએ. કારણ કે વાલીઓ જ્યારે પોતાનાં સંતાનોને ઘરથી દૂર મોકલે ત્યારે ચિંતા થાય એ સ્વાભાવિક છે. ક્યારેક એવું પણ બને છે કે કેટલાક પીજીમાં સમયનું કોઈ જ બંધન નથી હોતું.
એટલે આ ઘટના બની એવી મુશ્કેલીઓ પણ ઊભી થાય છે. પીજીમાં સમયનું બંધન હોવાનો એ અર્થ પણ નથી કે સંપૂર્ણ નિયંત્રણ હોય. આ ઉપરાંત જે યુવક-યુવતીઓ મોટાં શહેરમાં આવે છે ત્યારે તેમણે શહેરની લાઇફસ્ટાઇલને જોઈને કોઈની સાથે દેખાદેખી ન કરવી જોઈએ. પણ પોતે ક્યાં છે? અને ક્યાંથી આવે છે? એ પ્રમાણે જ રહેવું જોઈએ.
આ સાથે જ નવા શહેરમાં માત્ર ફરવું જ એ ધ્યેય ન હોવો જોઈએ. તેની સામે ભણતર કે નોકરી માટે અહીં આવ્યાં છો એ પણ યાદ રાખવું જોઈએ. આનંદ ચોક્કસ કરો પણ જવાબદાર બનીને કરો.