સુરત:પરિવાર જમવા બેઠો ને ગરમ બરફ ગોલા માટે કરેલી ચાસણીનું તપેલું ખુલ્લું રહી ગયું, રમતા રમતા બે વર્ષનું બાળક તપેલામાં પડ્યું,વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

અંકલેશ્વરના હાંસોટમાં બે વર્ષનું એક માસૂમ બાળક માતા-પિતાની બેદરકારીથી ખાંડની ગરમ ચાસણીમાં પડી જતા ગંભીર રીતે દાઝી જવાની ઘટના સામે આવી છે.

સુરતઃ નાના બાળકોના માતા-પિતા માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. બે વર્ષનું એક માસૂમ બાળક માતા-પિતાની બેદરકારીથી ખાંડની ગરમ ચાસણીમાં પડી જતા ગંભીર રીતે દાઝી જવાની ઘટના સામે આવી છે. ત્યારે ગંભીર રીતે દાઝેલા આ બાળકને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, આ બાળકના માતા-પિતા 15થી 20 દિવસ પહેલાં જ અંકલેશ્વરના હાંસોટમાં રોજીરોટી મેળવવા માટે આવ્યા હતા. અંકલેશ્વરના હાંસોટમાં આવ્યા બાદ પિતાએ બરફ-ગોલાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેના કલરમાં વપરાતી ચાસણી બનાવવા માટે ખાંડને ઓગાળીને તૈયાર કરવામાં આવી હતી. ખાંડની ચાસણી તૈયાર કરીને માતા-પિતા જમવા માટે બેઠા હતા. તે દરમિયાન બે વર્ષનું બાળક રમતું રમતું ચાસણીના તપેલા પાસે પહોંચી ગયું હતું અને રમતરમતમાં ઉંધા માથે તપેલામાં ખાબક્યું હતું. જેમાં બાળકનો પીઠનો ભાગ ખાંડના ચાસણીમાં પડ્યો હતો અને ચાસણી ગરમ હોવાને કારણે બાળક દાઝી ગયું હતું. બે દિવસ બાળકની પ્રાથમિક સારવાર હાંસોટ કરાવવામાં આવી હતી. પરંતુ બાળકની તબિયતમાં સુધારો ન આવતા તેને સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યું છે.

ચાસણીનુ તપેલું ભૂલથી ખુલ્લું રહી ગયું
બાળકના સબંધી ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, બરફ ગોલા માટે ખાંડની ગરમ ચાસણી બનાવવામાં આવી રહી હતી. આ દરમિયાન બાળક ત્યાં રમી રહ્યું હતું અને તેના માતા-પિતા જમવા બેઠા હતા. ભૂલથી તપેલું ઢાંક્યું ન હતું. દરમિયાન બાળક રમતા રમતા તપેલામાં પડી ગયું હતું. જેથી બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. અહી તેની સારવાર ચાલી રહી છે.