ઘરેથી એકસાથે ઉઠી ચાર અર્થી : ભોપાલ માં ઓનલાઇન જોબના ચક્કરમાં યુવક દેવામાં ડૂબી ગયો,બાળકોને ઝેર પીવડાવીને પતિ-પત્નીએ કરી આત્મહત્યા..

ભોપાલ (Bhopal ): આર્થિક સમસ્યાને કારણે સામુહિક આપઘાતના બનાવમાં  વધારો થતો જાય છે એવામાં ભોપાલમાંથી રુવાડા ઉભા કરી દે તેવો આપઘાત સામે આવ્યો છે . મળતી જાણકારી મુજબ  રતિબાદની શિવ વિહાર કોલોનીમાં રહેતા ભૂપેન્દ્ર વિશ્વકર્મા (38) કોલંબિયા સ્થિત કંપનીમાં ઓનલાઈન જોબ કરતા હતા. તેમની પર કામનું દબાણ અને લોન હતી. કંપનીએ તેમનું લેપટોપ હેક કર્યું અને એમાં મળેલા કોન્ટેક્ટ પર એડિટેડ પોર્ન ગ્રાફિક વીડિયો વાઇરલ કર્યા હતા.

એનાથી વ્યથિત ભૂપેન્દ્રએ તેની પત્ની રિતુ (35) સાથે આત્મહત્યા કરી લીધી હતી. દંપતીએ આત્મહત્યા કરતાં પહેલાં બે પુત્રો ઋતુરાજ (3) અને ઋષિરાજ (9)ને ઝેર આપ્યું હતું.ભૂપેન્દ્ર વિશ્વકર્માએ ગુરુવારે સવારે 4 વાગ્યે તેની ભત્રીજી રિંકી વિશ્વકર્માને વ્હોટ્સએપ પર એક સુસાઈડ નોટ મોકલી હતી. પત્ની અને બંને બાળકો સાથે સેલ્ફી પણ મોકલી હતી. આ ફોટોની કેપ્શનમાં લખ્યું- આ મારો અંતિમ ફોટો છે. આજ પછી અમે ફરી ક્યારેય એકબીજાને જોઈશું નહીં.

ભૂપેન્દ્રના મોટા ભાઈ નરેન્દ્ર વિશ્વકર્માએ જણાવ્યું હતું કે તેણે મોડી રાત્રે બંને બાળક અને પત્ની સાથે સેલ્ફી લીધી હતી. કોલ્ડ ડ્રિન્ક (માઝા)માં સલ્ફાસ ભેળવી બંને બાળકોને પીવડાવ્યું. આ પછી ભૂપેન્દ્ર અને તેની પત્ની રિતુ બાળકો પાસે જ બેસી રહ્યાં. જ્યારે બંને બાળકોનાં મોત થયાની પુષ્ટિ થઈ ત્યારે ભૂપેન્દ્રએ બે દુપટ્ટા બાંધીને એકસાથે દંપતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

પંકજ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે , ભાઈએ 4થી 5 દિવસ પહેલાં વ્હોટ્સએપ સ્ટેટસ પણ મૂક્યું હતું કે આ મેસેજ મારા દ્વારા મોકલવામાં આવતો નથી. તમે એને ઈગ્નોર કરજો.અમે બે-ત્રણ દિવસ પહેલાં વાત કરી હતી. તેઓ ખૂબ જ પરેશાન હતા. તેમની પાસેથી 17 લાખની માગણી કરવામાં આવી હતી.