સુરતમાં યુવકને કચડી ટ્રકચાલક ફરાર, શરીર પર ટાયરનાં નિશાન મળ્યાં, 3 સંતાને પિતા ગુમાવ્યા.

સુરત(surat):રાજ્યમાં આજકાલ ખુબ જ અકસ્માતના બનાવ બની રહ્યા છે,સુરતમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,સુરતના ઇચ્છાપોરમાં કવાસ પાટિયા નજીક ટ્રકે અડફેટે લઈ કચડી નાખતા યુવકનું મોત નીપજ્યું હતું, અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.

ટ્રકચાલકે કચડી નાખતા યુવકના શરીર પર ટાયરનાં નિશાન પણ મળી આવ્યાં છે,પછીથી 108 દોડી આવતા ટીમે યુવકને CPR આપ્યો હતો પણ યુવકના શ્વાસ પાછા આવ્યા નહોતા. યુવકના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું હતું.

 30 વર્ષીય નરેશકુમાર રામેશ્વર રાવ ઇચ્છાપોરમાં રહેતો હતો,પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે. જે વતન બિહાર રહે છે અને નરેશ એકલો સુરતમાં રોજગારી અર્થે રહેતો હતો. 10 દિવસ પહેલાં જ ગુરુદેવ ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી પર લાગ્યો હતો. હજીરા નજીક રોડ ઉપર આવેલા એસ્સાર કંપનીના પાર્કિંગ નંબર 9માં ટ્રેલર પાર્ક કરી ગાડીમાં જ સૂઈ જતો હતો.

 અજાણ્યા ટ્રકના ચાલકે નરેશને અડફેટે લઈ કચડી નાખી,ઘટના સ્થળેથી  ભાગી ગયો હતો. રોડ બાજુએ લોહીનાં ખાબોચિયામાં પડેલા જોઇને  નરેશ માટે  108ને જાણ કરાઈ હતી. 108ના કર્મચારીએ સ્થળ પર આવી  તાત્કાલિક સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.

મિત્રએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળના ફોટો-વીડિયો જોયા બાદ એવું લાગ્યું કે, ટ્રક નરેશના શરીરની એક બાજુથી ફરી વળ્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે. નરેશના શરીર પરથી ટ્રકનાં ટાયરનાં નિશાન પણ મળી આવ્યાં છે.

પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,નરેશના મૃત્યુના સમાચાર સાંભળીને તેના ઘર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે,નરેશના મૃત્યુથી ૩ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે,હાલ પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ વતન લઈ જવાની તૈયારી ચાલી રહી છે.