અમદાવાદ(Amadavad): આજે 15 મી ઓગસ્ટના દિવસે આપણે હજુ હમણાં જ શહીદ થયેલા વીર જવાનને કેમ ભૂલી શકીએ, જવાન મહિપાલસિંહ વાળા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે બાથ ભીડતાં ભીડતાં શહીદ થઇ ગયા. દેશની આઝાદીનો મહિનો એટલે ઓગસ્ટ અને શહીદ બહાદુર જવાન મહિપાલસિંહ વચ્ચે કંઇક સંયોગ હોય તેમ લાગી રહ્યું છે.
15 મી ઓગસ્ટના રોજ મહિપાલસિંહનો જન્મ થયો હતો,આજે તેનો જન્મદિવસ છે,દુખની વાત એ છે ક આજે તેમનું ૧૨મુ છે, દેશ આઝાદીની ઉજવણી કરતો હશે ત્યારે શહીદ વીર જવાનનો પરિવાર તેના બારમાની ઉત્તરક્રિયા કરતો હશે.
સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા છે. 15મી ઓગસ્ટે શહીદ મહિપાલસિંહ વાળાનો જન્મ દિવસ છે,ત્યારે સમાચારની ટીમ સાથે મહિપાલસિંહના મિત્રોં તેમજ પરિવારજનોએ તેમની યાદ વાગોળી હતી.
મહિપાલસિંહના મિત્ર જયપાલસિંહ વાળાએ ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે પાંચ-સાત મિત્રો સાથે ભણ્યા છીએ અને નાનપણથી જ સાથે મોટા થયા છીએ. આર્મીની તૈયારીઓ પણ અમે સાથે જ કરતા હતા. નાનપણથી જ તેઓને આર્મી પ્રત્યે લગાવ હતો તેઓ દોડવામાં અને તૈયારીઓ કરવામાં ખૂબ જ મહેનત કરતા હતા અમે પણ તેમની સાથે તૈયારીઓ કરતા હતા. એક સમયે અમે થાકી જતા હતા પરંતુ તેઓ થાકતા નહોતા.
મારા મિત્ર મહિપાલસિંહ દેશની સેવા કરતા શહીદ થયા છે. જેનો અમને ગર્વ છે પરંતુ સાથે એક દુઃખ છે કે અમે એક અમારો સારો મિત્ર ગુમાવ્યો છે. દેશ માટે તેઓએ બલિદાન આપ્યું છે અને આજે તેઓ અમર થઈ ગયા છે.