સાળંગપુર ધામમાં ધોધમાર વરસાદ :હનુમાનજી મંદિરના પાર્કિંગમાં અડધો ફૂટથી વધારે પાણી ભરાતા કાર ચાલકોને ભારે હાલાકી…

બોટાદ (Botad ):બોટાદ જિલ્લામાં શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો .બોટાદ શહેરમાં ગઈકાલ બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેધરાજાએ તોફાની બેટિંગ કરી હતી અને સાંબેલાની ધારે 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી બોટાદ જળબંબાકાર થયું હતું.સાળંગપુર ધામમાં  ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો .

કષ્ટભંજન હનુમાનજી મંદિરના પાર્કિંગમાં અડધો ફૂટથી વધારે પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે કાર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાળંગપુર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદથી ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું.શહેરના ભાવનગર રોડ, તાજપર રોડ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધીરે મેઘરાજાએ દસ્તક દીધી હતી.

ભારે વરસાદને પગલે ભાવનગર રોડ પર પાણી ભરાઈ ગયા તો નજીકમાં આવેલા અંડરબ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો હતો. શહેરના ટાવર સ્ટેશન રોડ, મોટી વાડી, ગઢડા રોડઅને પાંચ પડા વિસ્તારમાં ધીમીધારે મેઘમહેર થઈ છે .