વડોદરા:બે પરિવારે એકના એક દીકરાને ગુમાવ્યા, વડોદરા નજીક સિંધરોટ ચેક ડેમમાં નાહવા ગયેલા બે મિત્રોનાં ડૂબવાથી મોત.

વડોદરા(vadodara):કાળજાળ ગરમી થી બચવા આજકાલ લોકો  ફાર્મ અને  નદીકિનારે ન્હાવા જવા  લોકો ખુબ જ ઉમટી રહ્યા છે.લોકોની બેદરકારીને લીધે ડૂબી જવાના ખુબ જ કિસ્સા સામે આવે છે.ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામના પાંચ મિત્રો વડોદરા નજીક મહી નદી ઉપર આવેલ સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા સાથે નાહવા માટે આવ્યા હતા. જેમાં એક સગીર અને એક યુવક ડૂબી જવાથી બન્નેનું કરુણ મોત નીપજ્યું હતું.

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામના પાંચ મિત્રો સાગર હસમુખભાઇ રોહિત (ઉં.વ.19), સોહન પ્રવિણભાઇ રોહિત (ઉં.વ.17), વિશાલ ગિરીશભાઇ પરમાર (ઉં.વ. 19), અક્ષત અશોકભાઇ રોહિત (ઉં.વ. 11) અને કેતન ગુરુવારે બપોરે 12 વાગ્યાના સુમારે વડોદરા નજીક સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા સાથે નાહવા માટે આવ્યા હતા.

ચેકડેમ ખાતે આવી પહોંચેલા પાંચેય મિત્રોએ નદી કિનારે પોતાની પિકનિક બેગ મૂકીને નાહવા માટે ગયા હતા. જેમાં સાગર હસમુખભાઇ રોહિત (ઉં.વ.19) અને સોહન પ્રવીણભાઇ રોહિત (ઉં.વ.17)નું ચેક ડેમની પાછળના ભાગમાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું.

બંનેના મૃતદેહો લેવા માટે તેમનાં પરિવારજનો તેમજ મિત્રો સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યાં હતાં. કોલ્ડરૂમ ખાતે પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો. ફળિયાના જ બે યુવાનોના એકસાથે મોત નીપજતા મૃતદેહો લેવા માટે આવેલાં પરિવારજનો, મિત્રો સ્તબ્ધ થઇ ગયાં હતાં.તાલુકા પોલીસે બંનેના મૃતદેહો કબજે કરી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.