જુનાગઢમાં જળતાંડવ: જૂનાગઢમાં 10-ગીરનાર પર 15 ઇંચ વરસાદ ,,,માણસો,ગાડિઓ અને પશુઓ તણાયા ..

જુનાગઢ (Junagdh ):સૌરાષ્ટ્રમાં વરસાદે તરખાટ મચાવ્યો છે. એમાં પણ જૂનાગઢમાં તો આભ ફાટ્યું. ગિરનાર પર્વત પર 15 ઈંચથી વધુ વરસાદ ખાબકતા તળેટીના વિસ્તારમાં જળતાંડવ સર્જાયું.જૂનાગઢમાં પાણી ભરાતા કલેક્ટર અનિલ રાણાવસિયાએ માહિતી આપી કે, ગિરનાર જંગલમાં પડેલા વરસાદને કારણે સર્વત્ર જુનાગઢમાં પાણી ભરાયા છે. કાળવા નદીમાં આવેલા ભારે પાણીને કારણે પરિસ્થિતિ વણસી છે.

મોટાભાગના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. પાણીના પ્રવાહમાં અનેક કાર-બાઈક, કેબિનો રેકડીઓ તણાઈ રહી છે. લોકોનાં મકાનમાં પણ પાણી ઘૂસી ગયાં છે. જેથી લોકો ઘરના ધાબા પર ચડી ગયા હતા.ભવનાથ ક્ષેત્રમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દામોદર કુંડ ઉપરથી ધોધમાર પાણી વહી રહ્યા છે. પાણીના પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાય રહી છે. જૂનાગઢમાં અત્યારસુધીની સૌથી ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢવાસીઓ બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે, મેઘરાજા હવે ખમૈયા કરો..

જોકે, હજી સુધી કોઈ જાનહાની થઈ નથી. 30,000 જેટલા ફૂડ પેકેટ વિતરણની કામગીરી શરૂ કરી છે. 750 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.  તો હાલ સ્થિતિ એવી છે કે, ગ્રામ પંચાયતના 55 રોડ બંધ છે. પાણી ઉતર્યા બાદ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. સરકારના નિયમ મુજબ સહાયની ચુકવણી કરવામાં આવશે.