બગોદરા-બાવળા હાઇવે પરના ગોજારા અકસ્માતમાં 10 લોકોનાં મોત, હાઇવે મરણ ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો ,એક જ ઘરેથી 6 લોકોની અર્થી ઊઠી..

અમદાવાદ  (Amdavad): ચોટીલા દર્શન કરીને પરત ફરી રહેલા દર્શનાર્થીઓને અમદાવાદ બગોદરા હાઇવે પર અકસ્માત નડ્યો હતો .ટ્રક અને મીની ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતને પગલે હાઇવે મરણ ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યું હતું.અકસ્માતમાં જીવ ગુમાવનાર ઝાલા પરિવારના લોકો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના ઝાલા પરિવારના વતની છે

6 વ્યક્તિઓ સુણદા ગામના બીજા 3 મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના તો અન્ય એક કઠલાલ તાલુકાના પરંતુ તમામે તમામ કૌટુંબિક સગા થાય છે.મૃતક પરિવારના ઘર બહાર એકબાદ એક મૃતદેહોને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.મોડીરાત્રે મૃતકોના મૃતદેહો આવતાં રાત્રે જ અંતિમ સંસ્કાર વિધી કરવાનો નિર્ણય પરિવારજનોએ કર્યો હતો. ગામના એક જ પરિવારના 6 લોકોની અર્થીઓને પરિવારના સભ્યો અને ગ્રામજનોએ કાંધ આપી સ્માશાન સુધી લાવવામાં આવ્યા હતા.

આખું ગામ હીબકે ચઢ્યું હતું. અંદાજીત 3200ની વસ્તી ધરાવતું આ ગામમાં મોટાભાગના લોકોના ઘરે સાંજે ચુલો સળગ્યો નહોતો. તો કેટલાકને ગળેથી કોળીયો પણ ઉતર્યો નહોતો અને સૌકોઈ ગ્રામજનો દુઃખમાં આ ઝાલા પરિવારના ઘરે આવી પડખે ઉભા રહ્યા હતા. લગભગ 3 હજારથી વધુ લોકો મૃતકોની અંતિમ યાત્રામાં રાત્રે જોડાયા હતા. અંતિમ વિધિ માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.