સુરતમાં ફિલ્મી ઢબે 4 મિનિટમાં 14 લાખની લૂંટ,શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર,,જુઓં વિડીયો ..

સુરત (Surat ):સુરતમાં ફરી એક વખત ફિલ્મી ઢબે લૂંટની ઘટના  સામે આવી છે.સચીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વાંઝ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્ર હજુ તો ખુલી જ હતી ત્યાં બે બાઇક પર આવેલા પાંચ લૂંટારૂઓ બંદૂક સાથે બેંકમાં ઘુસે છે. બેંકનો સ્ટાફ કઇ સમજે તે પહેલા જ ફિલ્મી ઢબે આતંક મચાવી બેંકમાંથી આશરે 14 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ જાય છે.

5 લૂંટારૂ માથા પર હેલમેટ પહેરી હાથમાં બંદૂક લઈને બેંક ઓફ મહારાષ્ટ્રમાં ઘુસી ગયા હતા. બેંકના મેનેજર સહિતના કર્મચારીઓના લમણે બંદૂક તાકી અને ધમકીઓ આપી હતી. જેને લઈને બેંકમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી.

બધા કર્મચારીઓને બંધક બનાવીને લૂંટારૂ અંદરની ચેમ્બરમાં લઈ ગયા હતા. અંદર લૂંટ ચાલી રહી હોવાની વાતથી અજાણ એક મહિલા અને પુરૂષ બે બાળકો સાથે બેંકમાં આવ્યા તો લૂંટારૂઓએ તેઓને પણ બંદૂક દેખાડીને ધમકાવ્યા અને અંદર બંધક બનાવ્યા.ધોળા દિવસે ફિલ્મી ઢબે લૂંટ થતા શહેરની કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. સાથે જ સુરત પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

લૂંટારૂઓએ એક એક કરીને બેંકના બધા ડ્રોઅર ખોલાવ્યા અને અંદાજે 14 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. ધોળા દિવસે બનેલી લૂંટની આ ઘટનાથી સુરત શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ફરિયાદ બાદ સુરત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અલગ અલગ ટીમો બનાવીને લૂંટારૂઓની શોધખોળ શરૂ કરાઈ છે.