વડોદરામાં દુઆ કરી પરત ફરી રહેલા પરિવાર સવાર રીક્ષાને અકસ્માત નડ્યો: બાળકી સહિત 2 ના મોત, 5 ને ઇજા

વડોદરા (Vadodra ):હાઇવે પર અકસ્માતના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે છતાં લોકો બેફામ રીતે વાહનો ચલાવે છે . મળેલી જાણકારી મુજબ નવાયાર્ડ વિસ્તારમાં આવેલ રોશન પાર્કમાં રહેતા પઠાણ પરિવારના બાળકો અને રીક્ષાચાલક સહિત 7 સભ્યો પદમલા-વાસદ હાઇ-વે પર આવેલા ઘડીયાળી બાબાના ધાર્મિક સ્થાનક ખાતે ગયા હતા.

ત્યાં બાબાની દરગાહ ઉપર દુઆ કરી પરિવાર પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન પદમલા બ્રિજ પર રીક્ષાને પાછળના ભાગે પૂરપાટ પસાર થઇ રહેલી ટ્રકે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત સર્જાતા રીક્ષામાં સવાર 6 વ્યક્તિઓ પૈકી 5 વર્ષની અદીબા મુત્યાજ પઠાણ અને 47 વર્ષના બુલુ અલીઅહેમદ પઠાણના સ્થળ પર કરુણ મોત નીપજ્યાં હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના આ બનાવની જાણ નવાયાર્ડ રોશનનગરમાં થતાં પરિવારજનો તેમજ સ્થાનિક લોકોના ટોળેટોળા સયાજી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.ઇજાગ્રસ્તો પૈકી બે થી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. હોસ્પિટલમાં પરિવારજનોની રોકકળે સન્નાટો પાથરી દીધો હતો.