સુરતમાં પ્રેમલગ્નના એક વર્ષમાં જ 21 વર્ષીય દીકરીનો આપઘાત: ભાઈએ કહ્યું- સાસરિયાં ત્રાસ આપતાં હતાં.

સુરત (Surat ):સુરતમાં એક પાટીદાર યુવતીએ આત્મહત્યા કરીને મોત વ્હાલું કર્યું છે. વાલીની મંજૂરી વગર થયેલા પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો છે. ડુમસના ગવિયર વિસ્તારમાં એક 21 વર્ષીય પરિણીતાએ પ્રેમ લગ્નના એક વર્ષમાં ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે, સાસરિયાં દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હોવાથી મારી બહેને આપઘાત કર્યો છે. પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી લેવાનું ફરજિયાત કરવું જોઈએ.

મળતી જાણકારી મુજબ ,સુરતના ગવિયર વિસ્તારમાં રહેતા પટેલ પરિવારમાં એકની એક દીકરી કરીના પટેલ હતી. 21 વર્ષીય કરીનાએ એક વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ કિશન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. કરીના પરિવારની લાડલી હતી, અને સોશિયલ મીડિયના માધ્યમથી તે કિશન પટેલના સંપર્કમાં આવી હતી. તેના પરિવારજનોને આ પ્રેમ મંજૂર ન હતો. તેથી તેણે એક વર્ષ પહેલા ભાગીને કિશન સાથે લગ્ન કર્યા હતા .ગત રોજ કરીનાએ ઘરમાં જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતે માતા-પિતા સહિતના પરિવારને એક કલાક બાદ જાણ થઈ હતી. કરીનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિલ ખસેડ્યો છે.

કરીના ઘરે આવતી ત્યારે માતાને જણાવ્યું હતું કે, કિશન કોઈ કામ નથી કરતો અને મને મગદલ્લા પોર્ટ પર કામ કરતો હોવાનું કહી લગ્ન કર્યા હતા. હવે પિયરથી રૂપિયા લઈ આવવા દબાણ કરે છે. ઘરમાં પણ કામકાજને લઈ માનસિક ત્રાસ આપે છે. સાસરીમાં ઘર ચલાવવાના પણ રૂપિયા નથી.