મોટો ઝાટકો / 1 હજાર કર્મચારીઓને બરતરફ કરશે OLA, આ સેક્ટર પર ફોકસ કરી રહી છે કંપની

એપ બેઝ્ડ ટ્રાવેલ એગ્રીગેટર કંપની ઓલા (Ola) તેના હાલના 1,000 એમ્પ્લોઇઝ (Employees) ને નોકરીમાંથી છૂટા કરવાની તૈયારી કરી રહી છે. અગાઉ એવી માહિતી મળી હતી કે કંપની 400થી 500 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનું વિચારી રહી છે. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ હવે લગભગ 1,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે. જે એમ્પ્લોયને નોકરીમાંથી બરતરફ કરવાના છે તેઓને કંપનીએ પોતાનું રાજીનામું આપી દેવા જણાવ્યું છે.

જ્યારે ઘણા કર્મચારીઓ હજુ પણ વાર્ષિક પગાર વધારા (Annual Salary Hike) ની રાહ જોઈ રહ્યા છે. કંપની એવા કર્મચારીઓના રાજીનામાની રાહ જોઈ રહી છે જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવનાર છે, જેના કારણે આ વર્ષનો ઈન્ક્રીમેન્ટ હજુ પણ હોલ્ડ પર છે. ઓલામાં રિટ્રક્ચરિંગનું કામ ચાલી રહ્યું છે જે કદાચ ચાલુ રહેશે. એક તરફ કંપની 1,000 કર્મચારીઓને બરતરફ કરવા જઈ રહી છે, તો બીજી તરફ તે પોતાના ઈલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ (Electric Mobility Business) માટે લોકોને હાયર કરવામાં વ્યસ્ત છે. કંપનીનું મુખ્ય ધ્યાન હવે ઇલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ પર છે.

ઓલા મોબિલિટી, હાઇપરલોકલ, ફિનટેક અને યુઝ્ડ કાર બિઝનેસ માટે લોકોને હાયર કરી રહી છે. ઓલા Lithium-ion બેટરી સેલ અને ઇલેક્ટ્રિક કાર (Electric car) ની મેન્યુફેક્ચરિંગ કરવાની તૈયારીમાં છે. કંપની કાર મેન્યુફેક્ચરિંગ અને સેલ ડેવલપમેન્ટ માટે 800 નવા લોકોને હાયર કરવાની યોજના બનાવી રહી છે. કંપની જેટલા લોકોને નોકરીમાંથી બરતરફ કરી રહી છે, તેના કરતા વધુ લોકોને નોકરી પર રાખવાની યોજના પર કામ કરી રહી છે.

જોકે તાજેતરના સમયમાં મોટી સંખ્યામાં સ્ટાર્ટઅપ કંપનીઓએ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અગાઉ દેશની એડટેક કંપનીઓએ પણ સતત તેમના કર્મચારીઓની છટણી કરી છે. જેમાં ઓનલાઈન લર્નિંગ સર્વિસ ફર્મ Byju’s એ તેની અલગ-અલગ ગ્રુપ કંપનીઓમાંથી મોટી સંખ્યામાં લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ કર્મચારીઓમાં ફુલ ટાઈમથી લઈ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારી પણ સામેલ હતા.