ચોમાસામાં કપડાંમાં ભીનાશથી દુર્ગંધ આવે છે? કરો આ 5 સરળ કામ, તમારા કપડામાં આવશે સુગંધ

ચોમાસાની ઋતુમાં સૌથી વધુ સમસ્યા થતી હોય તો તે છે કપડાં સૂકવવાંની. આ ઋતુમાં ભેજ હોવાને કારણે કપડાં જલ્દી સુકાતા નથી અને દુર્ગંધ આવે છે. ત્યારે કામના સમાચારમાં અમે તમને જણાવીશું કે, ચોમાસામાં કપડાંમાં દુર્ગંધ ન આવે અને જલ્દી સુકાઈ જાય તે માટે શું કરી શકાય?

ચોમાસામાં કપડાંમાંથી આવતી ભીનાશ દૂર કરવા માટે તમે બેકિંગ સોડાની મદદ લઈ શકો છો. આ માટે કપડા ધોતી વખતે સર્ફની સાથે થોડો બેકિંગ સોડા પણ નાખો અને પછી તેનાથી કપડાં સાફ કરો. આ કપડાંમાંથી આવતી ભીનાશની ગંધને સંપૂર્ણપણે દૂર કરે છે.

કપડામાંથી આવતી ગંધ દૂર કરવા માટે તમે સફેદ વિનેગરની મદદ પણ લઈ શકો છો. આ માટે કપડા ધોતા પહેલા તેને વિનેગરના પાણીમાં થોડી વાર પલાળી રાખો. વાસ્તવમાં વિનેગર એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. જે દુર્ગંધની સાથે જંતુઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

સામાન્ય રીતે કપડાં ધોયા અને સૂકવ્યા પછી તેને ફોલ્ડ કરીને અલમારીમાં રાખવામાં આવે છે. પરંતુ વરસાદના દિવસોમાં તમારે કપડાને અલમારીમાં રાખતા પહેલા ઈસ્ત્રી કરી લેવી જોઈએ. વાસ્તવમાં, સૂર્યપ્રકાશના અભાવને કારણે ઘણી વખત કપડાં સંપૂર્ણપણે સુકાઈ શકતા નથી. આવી સ્થિતિમાં ભેજને કારણે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. કપડાંને ઇસ્ત્રી કરવાથી બાકી રહેલો ભેજ દૂર થાય છે, જેના કારણે કપડામાંથી દુર્ગંધ આવતી નથી.

કપડામાં ભીનાશની વાસ ન આવે તે માટે તમારે કપડાને અલમારીમાં ફોલ્ડ કરીને રાખવાનું ટાળવું જોઈએ. કપડાને અલમારીમાં હેંગરમાં રાખો તો સારું રહેશે. આ કારણે કપડાંમાં ભેજ રહેશે તો પણ તે ધીરે ધીરે અદૃશ્ય થઈ જશે અને કપડામાંથી દુર્ગંધ નહીં આવે.

ચોમાસામાં કપડાં પહેરતા પહેલા નેપ્થાલિન બોલ્સ અલમારીમાં રાખી શકાય છે. જેના કારણે કપડામાંથી ભીનાશની દુર્ગંધ નહીં આવે, સાથે જ કોઈપણ પ્રકારના જીવજંતુઓ અલમારીમાં પ્રવેશી શકશે નહીં. જો તમે ઈચ્છો તો કપડામાં સુગંધ આવે તે માટે તમે કપડામાં પરફ્યુમ છાંટીને પણ કરી શકો છો.