ભાવનગર (Bhavnagar ): ઉત્તરાખંડમાં ગુજરાતીઓની બસ ખીણમાં પડી ગઇ હતી. આ ગોઝારા અકસ્માતમાં ભાવનગરના સાત લોકોના મોત નીપજ્યા હતા. આ મૃતકો પૈકી 6 મૃતકોનાં મૃતદેહની પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવદેહને વતન મોકલી દેવાયા છે.
મૃતકોના પાર્થિવદેહને દહેરાદૂનથી વિમાનમાર્ગે અમદાવાદ લાવવામાં આવ્યા છે. મૃતકો ભાવનગર જિલ્લાના મહુવા, પાલિતાણા અને તળાજાના વતની હતા. આજે તમામ મૃતકોની વતનમાં અંતિમવિધિ કરવામાં આવી છે. અમદાવાદ ખાતે પ્રથમ ફ્લાઈટ મોડી રાત્રે આવી પહોંચી હતી. જેમાં કરણ ભાટી તથા અનિરુદ્ધ જોષીના મૃતદેહ સ્વજનોને રાત્રે 9:45 આસપાસ સોંપવામાં આવ્યા હતા.
જ્યારે બીજી ફ્લાઈટ અમદાવાદ મોડી રાત્રે 11:45 એ આવી પહોંચી હતી, જેમાં મહુવા તાલુકાનાં દક્ષાબેન મહેતા તથા ગણપતભાઇ મહેતાના મૃતદેહને સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. તો ત્રીજી ફ્લાઈટ અમદાવાદ ખાતે મોડી રાત્રે 1:45 આવી હતી, જેમાં તળાજા તાલુકાના રાજેશભાઇ મેર તથા ગીગાભાઇ ભમ્મરના મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.પોતાના સ્વજનના અચાનક મૃત્યું બાદ આજે અંતિમ વિધિ કરાતા આખું ગામ હિબકે ચઢ્યું છે. સ્વજનની વિદાયને કારણે પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો છે.
૧ ) અનિરુદ્ધ જોશી, તળાજા
૨ ) કરણ ભાટી, પાલિતાણા
૩) દક્ષાબેન મહેતા, મહુવા
૪) ગણપતભાઈ મહેતા, મહુવા
૫) રાજેશભાઈ મેર, તળાજા
૬) ગીગાભાઈ ભમ્મર, તળાજા
૭) મીનાબેન ઉપાધ્યાય, ભાવનગર
આમાંથી મીનાબહેનના અંતિમ સંસ્કાર હરિદ્વારમાં જ કરવાનો નિર્ણય કરાયો હતો ..