મોરબીમાં 60 વર્ષના આધેડે વિદ્યાર્થિનીની છેડતી કરતાં યુવતીઓએ ભેગી મળી જાહેરમાં જ આધેડને મેથીપાક ચખાડ્યો.

મોરબી (Morbi ): શહેરોમાં છેડતીના કિસ્સા પળવારે જોવા મળે છે . છેડતીના વધારે કિસ્સામાં  કોઈ સામે જવાબ નથી આપતું અને સહન  કરી લે છે,પરંતુ આજે એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે . મોરબીના સુપર માર્કેટમાં વિદ્યાર્થિનીઓ અને મહિલાઓની ભારે ચહલપહલ જોવા મળતી હોય છે, જેથી અનેક વખત વિદ્યાર્થિનીઓની છેડતીના બનાવો સામે આવતા હોય છે. આજે સવારના સમયે એક એવો જ બનાવ સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થિનીની છેડતી કરવાની આધેડને ભારે પડી છે.

બનાવની મળતી વિગત મુજબ, આજે સવારના સમયે સુપર માર્કેટમાંથી જઈ રહેલી વિધાર્થિનીની એક આધેડે છેડતી કરી હતી. જેથી વિદ્યાર્થિનીઓએ આધેડને બરાબરનો મેથીપાક ચખાડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આધેડ વિદ્યાર્થિનીને બીભત્સ ઈશારાઓ કરતાં અંદાજે 10-12 દીકરી એકજૂથ થઈને તેને ફડાકા અને લાતો વડે બરાબરનો માર માર્યો હતો.

લમધારી નાખીને 181 મહિલા અભયમની ટીમને જાણ કરવામાં આવતાં 181ની ટીમ સ્થળ પર દોડી આવીને તેને પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

આરોપી મૂળ ખેવારિયા ગામનો અને હાલ મોરબી રહેતો ઓઢવજી બાબુભાઈ ઊભડિયા (ઉં.વ.60) હોવાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર ઘટના અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.