મહેસાણા (Mahesana ): હમણાં વિદેશ ને લઈને કોઈ ને કોઈ સમાચાર આવતા જ રહે છે .એમાં આજે તો સાવ અજુગતો બનાવ જ સામે આવ્યો છે . જેમાં મળતી જાણકારી મુજબ વિજાપુરના બિલિયા ખાતે રહેતા પંકજભાઈ ડાહ્યાભાઈ પટેલનો દીકરો પ્રિન્સ કેનેડા ખાતે રહે છે તેમજ બાજુના ગામની યુવતી પણ કેનેડામાં રહે છે. જ્યાં યુવક-યુવતીએ લગ્ન કરી લીધાં હતાં, જેની અદાવત રાખી રાત્રિ દરમિયાન યુવતીનાં કુટુંબીજનોએ હંગામો મચાવ્યો હતો.
તેઓ 4 ફોર-વ્હીલ અને એક પિકઅપ ડાલામાં બેસી લાકડીઓ, ધોકા સહિતનાં હથિયારો સાથે યુવકના પિતાના ઘરે દોડી આવ્યા હતા.15થી વધુ માણસોનું ટોળું ઘરમાં આવી ઘરના સામાનમાં તોડફોડ કરવા લાગ્યું હતું. ઘરમાં ફર્નિચરના કાચ પણ ફોડી નાખ્યા હતા તેમજ ટ્રેક્ટરમાં પણ નુકસાન પહોંચાડ્યું હતું અને મીટરના લાઈટના વાયર પણ તોડી નાખ્યા હતા.
આ લોકોએ રાત્રે ઘરમાં ભારે તોફાન મચાવ્યું હતું યુવકની માતાનાં કપડાં ફાડી લાકડીથી માર મારવા લાગ્યા હતા તેમજ યુવકના પિતાને લોખંડની પાઈપ ફટકારી હતી. જેથી તેઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. આ સમગ્ર મામલે યુવકના પિતા પંકજભાઈએ જણાવ્યું હતું કે લોકોનું ટોળું અમારા ઘરમાં ઘૂસી ગયું હતું અને અમને માર માર્યો હતો, જેથી મારો જીવ બચાવવા હું ચાર કિલોમીટર દૂર સુધી ભાગ્યો હતો તેમજ અંધારામાં એક જગ્યાએ સંતાઈ રહ્યો હતો. બાદમાં પોલીસ આવી જતાં મારો બચાવ કરવામાં આવ્યો હતો.