કેદારનાથમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ: યુગલનો પ્રપોઝ કરતો વીડિયો વાયરલ થયા પછી લેવાયો નિર્ણય..

કેદારનાથ (kedarnath ): લોકો ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવામાંતો જાણે ભાન જ ભૂલી જતા હોય એમ મંદિર જેવી જગ્યાને પણ નથી મુક્તા ત્યાં પણ જેવી તેવી ફોટોગ્રાફી કરે છે . થોડા દિવસો પહેલાં એક મહિલા બ્લોગરે તેના બોયફ્રેન્ડને મંદિરની સામે પ્રપોઝ કર્યું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ મંદિર પ્રશાસને નારાજગી વ્યક્ત કરી હતી. આ અંગે મંદિર સમિતિએ આ નિર્ણય લીધો છે.

ભક્તોને સાધારણ પોશાક પહેરીને મંદિરમાં આવવાનું પણ કહેવામાં આવ્યું છે. આ સાથે મંદિર પરિસરમાં તંબુ કે કેમ્પ ન લગાવવા સૂચના આપવામાં આવી છે. આદેશનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ છે. ભક્તો હવે મંદિર પરિસરમાં તસવીરો કે વીડિયો બનાવી શકશે નહીં. આ નિર્ણય બદરી-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) દ્વારા લેવામાં આવ્યો છે.

થોડા દિવસો પેહલા જ વિશાખા નામની યુટ્યૂબર તેના પ્રેમી સાથે ભગવાન શંકરનાં દર્શન કરી રહી હતી. અચાનક તેણે પ્રેમીને લગ્ન માટે પ્રપોઝ કર્યું. છોકરાએ તેને લગ્ન માટે હા પાડી. આ સમગ્ર ઘટનાનો વીડિયો યુવતીએ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ મંદિરમાં રીલ બનાવવા સામે અવાજો ઊઠવા લાગ્યા હતા.

BKTC પ્રમુખ અજેન્દ્ર અજયે કહ્યું કે આ એક ધાર્મિક સ્થળ છે, જ્યાં લોકો ખૂબ જ આસ્થા સાથે આવે છે. ભક્તોએ તેમનો આદર કરવો જોઈએ. તેમણે કહ્યું કે બદરીનાથ ધામમાંથી અત્યાર સુધી કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ ત્યાં પણ આવાં બોર્ડ લગાવવામાં આવશે.