અમદાવાદની સુપરમોમ રૂશિનાએ જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા માટે 90 લિટર બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરી માનવતા મહેકાવી ..

અમદાવાદ (Amdavad ):માતાનું ધાવણ એ નવજાત બાળક માટે એકમાત્ર સર્વોત્તમ આહાર છે. પરંતુ ઘણીવાર થાય છે એવું કે બાળકની પ્રિમૅચ્યોર ડિલિવરી થાય કે આરોગ્યના કારણોસર માતાને ધાવણ અપૂરતું કે સાવ ન આવે. આવાં કોઈ કારણોસર જે બાળકોને નાનપણમાં માતાનું દૂધ નથી મળી શકતું એ બાળકો માટે ‘બ્રેસ્ટ મિલ્ક બેન્ક’ની વ્યવસ્થા હોય છે.

જ્યાંથી જરૂરિયાતમંદ બાળકોને તથા અનાથ આશ્રમમાં નવજાત બાળકોને દૂધ પૂરું પાડી શકાય. અમદાવાદમાં હાલમાં ફક્ત આવી એક જ મિલ્ક બેન્કની વ્યવસ્થા છે. બ્રેસ્ટ મિલ્કનું પણ ડોનેશન કરી શકાય તે વિશે ગુજરાતમાં લોકો ખાસ જાગ્રત નથી. પરંતુ અમદાવાદની રુશિના મારફતિયા નામની સ્ત્રીએ આખા સમાજને આંગળી ચીંધે એવું કામ 3-4 વર્ષ પહેલાં કર્યું હતું .

એમને ત્યાં ગોળમટોળ દીકરો આવ્યો તે પછી રુશિનાએ પાંચ-પચીસ નહીં, બલકે પૂરાં 90 લિટર બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કર્યું હતું! સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી આટલું મિલ્ક બીજી એકેય માતાએ ડોનેટ કર્યું નથી.ઑગસ્ટના પહેલા અઠવાડિયાને ‘વર્લ્ડ બ્રેસ્ટ મિલ્ક વીક’ તરીકે ઊજવવામાં આવે છે. હમણાં જ ગયા મહિને અમેરિકાની એલિઝાબેથ એન્ડરસન નામની એક મહિલાને બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરવા બદલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું.