શહીદ મહિપાલસિંહના ગર્ભવતી પત્ની એક રૂમમાં જ બેઠા રહે છે, મોટા ભાઈ બોલ્યા કે બસ, ભગવાનને એટલી જ પ્રાર્થના કે કોઈને આવી સ્થિતિમાં ન મૂકે

અમદાવાદ (Amadavad):મહિપાલસિંહ શહીદ થયા જે અમદાવાદ ના વતની હતા,શહીદને શ્રદ્ધાંજલિ આપવા જ્યાં ભારે જનમેદની ઊમટી પડી હતી, ત્યાં આજે ફક્ત રડતાં અને આઘાતમાં સરી પડેલાં પરિવારજનો જ જોવા મળ્યાં. કોણ કહી શકે છે કે આજે આ સન્નાટાથી ભરપૂર સોસાયટી માત્ર 1.5 જ મહિના પહેલાં ઢોલક-તાલના નાદ સાથે ધમધમતી હતી. જે ઘર આજે દુ:ખના આંસુઓથી ભીંજાયું છે એ જ ઘરમાં ખુશીઓનાં તોરણો બંધાતાં હતાં.

શહીદ મહિપાલસિંહનાં પત્ની વર્ષાબેનની પ્રેગ્નન્સીને લગભગ 7 મહિના પૂર્ણ થયા હતા. ઘરમાં શ્રીમતનો પ્રસંગ હતો એટલે આખા ઘરને શણગારવામાં આવ્યું હતું. સૌકોઈ આ પ્રસંગને વિશેષ બનાવવા પોતપોતાના રીતે સહભાગી બન્યા હતા.

આ વિશેષ પ્રસંગના કારણે આખો પરિવાર એક છત નીચે ભેગો થયો હતો. જોકે આ પ્રસંગને ચાર ચાંદ તો ત્યારે લાગ્યા હતા કે જ્યારે શહીદ મહિપાલસિંહ કાશ્મીરથી સ્પેશિયલી રજા લઈને આ પ્રસંગનો ભાગ બન્યા હતા. પ્રસંગ પૂરો થયો ને શહીદ મહિપાલસિંહ નવા મહેમાનને મળવાની આશા લઈને ફરી પોતાની ફરજ પર પરત ફર્યા હતા, પરંતુ, ન તો પરિવારજનો કે ન તો તે પોતે જાણતા હતા કે આ તેમની એકબીજા સાથેની આખરી મુલાકાત બનશે અને વીરગતિ પ્રાપ્ત કરીને ઘરે પરત ફરશે.

સમાચારની ટીમ સાથે વાત કરતા મહિપાલસિંહના મોટા ભાઈ યુવરાજસિંહે કહ્યું, 9 મહિના પૂર્ણ થતાં વર્ષાબેનને હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવાયાં હતાં અને દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે તેમની તબિયત હાલ સારી છે. હજુ ડિલિવરી માટે કોઈ જ તારીખ આપવામાં આવી નથી. ઘરમાં ખૂબ જ ગમગીનીનો માહોલ છે. અમે ખૂબ જ દુઃખ અને ઊંડા આઘાતમાં છીએ. વર્ષાબેન ખૂબ જ આઘાતમાં છે. તેમને અમે ઉપર એક રૂમમાં રાખ્યા છે. હાલ તો અમે કોઈ જ વાત કરવા નથી જતાં, કારણ કે તેમની પાસે પહોંચતાં જ તેઓ તરત રડવા લાગે છે અને આ સમયે અમે તેમને કાંઈ થવા દેવા નથી માગતા. બસ, મારી ભગવાનની એટલી જ પ્રાર્થના છે કે ભગવાન કોઈને પણ આવી સ્થિતિમાં ન મૂકે.’

ધ્રુસકે-ધ્રુસકે રડતાં વર્ષાબેને શહીદ પતિના પાર્થિવદેહને પુષ્પાજંલિ અર્પી અને છેલ્લી સલામી આપી હતી.