આઝાદીના અમૃત મહોત્સવના રંગે રંગાયું અરવલ્લી, જિલ્લા પોલિસ તંત્ર દ્વારા દેશભક્તિના ગીતો પીરસ્યા, ચાહકો ઝૂમી ઉઠ્યા

અરવલ્લી જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીની નિમિત્તે સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો,, મોડાસાના પીએમ ગ્રાઉન્ડ ખાતે આયોજિત થનારા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વને લઇને જિલ્લા પોલિસ તંત્ર દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દેશભક્તિના ગીતોમાં રંગાઈ ગયા હતા.

અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગાયક કલાકારોએ દેશભક્તિના ગીતો ગાતા શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા અને દેશભક્તિના ગીતોમાં મસ્ત લીન થયા હતા. મોડાસા ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે ત્યારે જિલ્લા પોલિસ તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમને સ્થાનિક લોકો અને પોલિસ જવાનોએ સફળ બનાવ્યો હતો.

આ પ્રસંગે રેંજ આઈ.જી. અભય ચુડાસમા, કલેક્ટર ડોક્ટર નરેન્દ્ર કુમાર મીના, સાબરકાંઠા જિલ્લા પોલિસ વડા વિશાલ વાઘેલા તેમજ અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાત ઉપસ્થિત રહ્યા હતા. સંગીત સંધ્યા કાર્યક્રમમાં દેશભક્તિના ગીતોએ પોલિસ જવાનોમાં જોમ અને જુસ્સો વધાર્યો હતો. મોટી સંખ્યામાં શહેરીજનો, આગેવાનો તેમજ પોલિસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલિસ તંત્ર દ્વારા આયોજિત આ પ્રકારના પ્રથમ કાર્યક્રમથી લોકોમાં દેશભક્તિની ભાવના જાગી હતી.